સ્પાઇડરમૅનના પાત્ર અને ઝેન્ડાયા સાથેના રિલેશનને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.
ટૉમ હોલૅન્ડ
ટૉમ હોલૅન્ડનું કહેવું છે કે તેને આલ્કોહૉલનો પ્રૉબ્લેમ હતો અને હવે તે છેલ્લા ઘણા મહિનાથી સોબર છે. સ્પાઇડરમૅનના પાત્ર અને ઝેન્ડાયા સાથેના રિલેશનને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. તેના ડ્રિન્કિંગ પ્રૉબ્લેમ વિશે વાત કરતાં ટૉમ હોલૅન્ડે કહ્યું કે ‘એક દિવસ હું ઊઠ્યો અને ડ્રિન્કિંગ છોડી દેવાનું વિચાર્યું એવું નથી. અન્ય બ્રિટિશની જેમ મારો પણ છેલ્લો ડિસેમ્બર ખૂબ જ ડ્રિન્કિંગથી ભરેલો હતો. એ ક્રિસમસનો સમય હતો અને હું વેકેશન પર હતો. હું ખૂબ જ ડ્રિન્ક કરી રહ્યો હતો. હંમેશાંથી મારી ડ્રિન્કિંગ કૅપેસિટી ખૂબ જ સારી હતી. મને લાગે છે કે મારી મમ્મી સાઇડના જીન્સને કારણે હું ખૂબ જ ડ્રિન્ક કરી શકું છું. જોકે ત્યાર બાદ મેં જાન્યુઆરી મહિના માટે ડ્રિન્ક ન કરવાનું નક્કી કર્યું. એ સમયે હું ખૂબ જ ડરી ગયો હતો. મને લાગ્યું હતું કે કદાચ મને આલ્કોહૉલનો પ્રૉબ્લેમ છે. આથી મેં પોતાને સજા આપવાનું નક્કી કર્યું અને ફ્રેબ્રુઆરીમાં પણ દારૂ ન પીવાનું નક્કી કર્યું. જો હું બે મહિના રહી શકું તો હું પોતાની જાતને કહી શકું કે મને કોઈ પ્રૉબ્લેમ નથી. બે મહિના જતા રહ્યા અને મને ખૂબ જ તકલીફ પડી રહી હતી. મને લાગ્યું કે હું હવે સોશ્યલ થઈ શકું એમ નથી. મને લાગ્યું કે હું પબમાં જઈને લાઇમ સોડા ડ્રિન્ક કરી શકું એમ પણ નથી. ડિનર માટે પણ જઈ શકું એમ નથી. મને ખૂબ જ તકલીફ પડી રહી હતી અને મને લાગ્યું કે મને નક્કી આલ્કોહૉલનો પ્રૉબ્લેમ છે. મેં મારી જાતને કહ્યું કે જો હું છ મહિના આલ્કોહૉલ વગર રહી શકું તો હું પોતાની જાતને સાબિત કરી શકીશ કે મને કોઈ પ્રૉબ્લેમ નથી. જૂન મહિનાનો સમય આવ્યો ત્યાં સુધી મને એહસાસ થયો કે મારી લાઇફમાં હું આટલો ખુશ પહેલાં ક્યારેય નહોતો. હું પહેલાં કરતાં વધુ હેલ્ધી અને ફિટ બન્યો. હું હવે પોતાને સવાલ કરી રહ્યો છું કે હું ડ્રિન્ક તરફ કેમ આકર્ષાયો.’


