આ ફિલ્મમાં તેની સાથે રત્ના પાઠક શાહ, માનસી પારેખ અને ધર્મેન્દ્ર ગોહિલ પણ લીડ રોલમાં દેખાશે
દર્શિલ સફરી
દર્શિલ સફરીએ જણાવ્યું કે તેને હંમેશાં અનોખું કરવાની ઇચ્છા હતી એથી તેણે પહેલી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ની ઑફર સ્વીકારી હતી. આ ફિલ્મમાં તેની સાથે રત્ના પાઠક શાહ, માનસી પારેખ અને ધર્મેન્દ્ર ગોહિલ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને માનસી પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલે પ્રોડ્યુસ કરી છે. તો વિરલ શાહે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે દર્શિલે કહ્યું કે ‘હું હંમેશાં સ્ટોરીને પ્રાથમિકતા આપું છું. આ એક એવી ફિલ્મ છે જે મનોરંજનની સાથે લોકોમાં જાગૃતિ લાવશે. ફિલ્મની ટીમના લોકો ખૂબ સારા છે. કંઈક નવું કરવાની ઇચ્છા હંમેશાં મારા લિસ્ટમાં હોય છે એથી મેં ‘કચ્છ એક્સપ્રેસ’ પસંદ કરી. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ મજેદાર રહ્યો. હું ઘણાં વર્ષોથી માનસી મૅમને ઓળખું છું અને અમે થોડા સમયથી સાથે કામ કરવા વિશે વિચારી રહ્યાં હતાં. તેમનો સથવારો સારો લાગે છે અને તેમની સાથે કામ કરતી વખતે ધમાલ આવી ગઈ. પાર્થિવ સરે મને આ પ્રોજેક્ટ કરવા માટે મનાવ્યો હતો. હું ગુજરાતી હોવા છતાં મને આત્મવિશ્વાસ નહોતો કે હું આ રોલ કરી શકીશ. તેમના દૃઢ વિશ્વાસે મને ખૂબ મદદ કરી. તેઓ અને તેમની ટીમ એ વાતની ખાતરી રાખતા કે ઍક્ટર્સને કોઈ વાતની તકલીફ ન પડે.’

