મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘ગુલામ ચોર’ જાણીતા ઍક્ટર હાર્દિક સાંગાણી (Hardik Sangani)એ લખી છે. લેખક અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેમની આ પહેલી ફિલ્મ છે
હાર્દિક સાંગાણી
મલ્હાર ઠાકર (Malhar Thakar) સ્ટારર થ્રિલર ગુજરાતી ફિલ્મ `ગુલામ ચોર` (Gulaam Chor)નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. ડિરેક્ટર વિરલ શાહે (Viral Shah) તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ગુલામ ચોર’નું ટ્રેલર શેર કર્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “12 કરોડ, 12 શંકાસ્પદ, 1 લૂંટ.”
મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘ગુલામ ચોર’ જાણીતા ઍક્ટર હાર્દિક સાંગાણી (Hardik Sangani)એ લખી છે. હાર્દિક સાંગાણીએ ‘બુશર્ટ ટી-શર્ટ’, ‘જયસુક ઝડપાયો’, ‘લવની લવ સ્ટોરીઝ’ અને ‘મિડનાઈટ વિથ મેનકા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. હવે `ગુલામ ચોર` સાથે તેઓ પહેલી વાર લેખક તરીકે ઢોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
ADVERTISEMENT
આ ફિલ્મ અને તેની પાછળની વાર્તા વિશે વધુ જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે હાર્દિક સાંગાણી સાથે ખાસ વાતચીત કરી હતી. લેખક તરીકેનો તેમનો પહેલો અનુભવ શેર કરતાં હાર્દિક સાંગણીએ જણાવ્યું કે, “લેખક તરીકે મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. નાનપણથી જ ઇન્ડસ્ટ્રીમાં છું એટલે કઈ રીતે સ્ક્રીનપ્લે લખાય છે, કઈ રીતે વાર્તા લખાય છે તેનો મને ખ્યાલ તો હતો જ. લોકડાઉનમાં ઘણો સમય હતો, ત્યારે હું નવી વાર્તાની શોધમાં હતો. ગુજરાતીમાં આ જૉનરની ફિલ્મ બની ન હતી, એટલે આ આઇડિયા મેં અમારા ડિરેક્ટર વિરલ શાહને સંભળાવ્યો.”
હાર્દિક કહે છે કે, “વિરલને આ આઇડિયા ગમ્યો અને અમે લગભગ ૧૨-૧૩ દિવસમાં સ્ટોરી, સ્ક્રીન અને ડાયલોગ્સ લખ્યા. આ સ્ક્રિપ્ટ અમે જીઓ સિનેમાને સંભળાવી. મારી લાઇફની આ પહેલી પિચ હતી. હું થોડો નર્વસ હતો, પણ તેમને સ્ક્રિપ્ટ ગમી અને અમે આગળ વધ્યા. લેખક તરીકે તો મારી આ પહેલી ફિલ્મ છે જ, પણ સાથેસાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ આ મારી પહેલી ફિલ્મ છે. એક જ ફોન પર બધા જ એક્ટર્સ જોડાયા અને અમે ભાવનગરમાં ફિલ્મ શૂટ કરી."
લેખક તરીકેની ભૂમિકા ભજવવામાં શું મુશ્કેલી આવી? આ સવાલનો જવાબ આપતા હાર્દિક કહે છે કે, "એક એક્ટર તરીકે તમે શૂટિંગ દરમિયાન સતત સુધારો કરતાં હોવ છો, પણ જ્યારે તમે લેખક હોવ ત્યારે તમે જે લખ્યું છે તેના પર ભાર આપો છો. આ એક મોટો તફાવત છે. જોકે, લેખક તરીકે પહેલી ફિલ્મ છે એટલે ખૂબ જ ઉત્સુક છું."
આ પણ વાંચો: મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ સસ્પેન્સ કૉમેડી ફિલ્મની વાર્તા 12 લોકોની આસપાસ ફરે છે, જેઓ 12 કરોડ રૂપિયા સાથે હાઉસ પાર્ટીમાં જુગાર રમવા માટે ભેગા થયા છે. લાઇટ જતાં એકપળમાં જ આ પૈસા ગાયબ થઈ જાય છે ત્યારે વાર્તા ખૂબ જ રસપ્રદ વળાંક લે છે. મલ્હાર ઠાકરનું પાત્ર પૈસાની ચોરી કરનાર ગુનેગારને પકડવા માટે મથે છે. શું મલ્હાર ઠાકર આ ચોરને પકડી લેશે? એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. `ગુલામ ચોર` ૧૧ જૂને જીઓ સિનેમા પર રિલીઝ થશે.