ગુજરાતી યુટ્યુબર ધરા શાહને મળ્યો ‘સિલ્વર બટન એવોર્ડ’
ધરા શાહ
લોકગીતોને આગવી શૈલીમાં રજુ કરવા જાણીતી ગુજરાતી યુટ્યુબર ધરા શાહ અત્યારે સાતમા આસમાને છે. કારણકે તેની યુટ્યુબ ચેનલ ‘ધરા પ્રભુદાસ શાહ’ના ચાલુ મહિનાની શરૂઆતમાં એક લાખ સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ થતા યુટ્યુબ દ્વારા ‘સિલ્વર બટન એવોર્ડ’ આપીને સન્માન કરવામાં આવ્યું છે.
ધરા શાહે પિતાના માર્ગદર્શન હેઠળ નવ વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું છે. શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર્સ કરનાર ધરા ફુલ ટાઈમ યુટયુબર છે. બૉલીવુડના ફ્યુઝનમાં તેની હથોટી છે. તેણે વર્ષ 2012થી યુટ્યુબની કારકિર્દી શરૂ કરી હતી. આ વિશે ધરાએ કહ્યું કે, મેં મારી યાત્રા 2012-13થી શરૂ કરી. તે સમયે મને યુટ્યુબ વિશે કોઈ ખ્યાલ જ ન હતો, મેં મારી સર્જનાત્મકતા બતાવવા માટે ચેનલ શરૂ કરી હતી. યુટ્યુબમાં જોડાવવાની મારી પ્રેરણા જોનિતા ગાંધી છે, તે શાનદાર ગાયિકા છે. શરૂઆતના દિવસોમાં હું ખૂબ મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતીમાં હતી. કારણ કે તે સમયે કોઈને કવર ગીત વિશે ખ્યાલ જ ન હતો. મોટાભાગના લોકો તેનાથી અજાણ્યા હતા. તેથી હું મારા મિત્રો જીમ્મી દેસાઈ (સંગીત ભાગીદાર) અને ચિંતન મહેતા (ડિરેક્ટર)ને મળી, તેમણે મારા પર વિશ્વાસ કર્યો અને અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું, આજ સુધી અમે સાથે કામ કરી રહ્યાં છીએ.
ADVERTISEMENT
યુટ્યુબ દ્વારા ‘સિલ્વર બટન એવોર્ડ’ મળતા ધરા શાહ ખુબ ખુશખુશાલ છે. આ વિશે તેણે કહ્યું હતું કે, આ મારા માટે અવિશ્વસનીય છે. મેં મારી ચેનલ મારા શોખ માટે શરૂ કરી હતી અને હવે સિલ્વર બટન મળ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે. મારી ચેનલ પર બધું જ મળી જાય છે. ભારતીય શાસ્ત્રીયથી ગુજરતી લોક-ગીત, અનપ્લગ્ડ ગીતો, અંગ્રેજી સંગીત, વગેરે બધું જ છે. એટલે જ મને આ એવોર્ડ મળ્યો છે.

