ફિલ્મના પૉઝિટિવ પ્રચાર માટે માર્કેટિંગના નામે પૈસા આપવાની સિસ્ટમને બ્લૅકમેઇલિંગ ગણાવી
આદિત્ય ધર, યામી ગૌતમ
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી પૈસાના બદલામાં સારા રિવ્યુ આપવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. હવે યામી ગૌતમે આ મામલે જાહેરમાં વિરોધ કર્યો છે. યામી ગૌતમના પતિ આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે યામીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં માર્કેટિંગ હાઇપ માટે પૈસા આપવાની સિસ્ટમની ટીકા કરી છે અને એને બ્લૅકમેઇલિંગ ગણાવી છે.
પોતાની વાત રજૂ કરતાં યામીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે, ‘એક વાત છે જે હું ઘણા સમયથી કહેવા ઇચ્છતી હતી. મને લાગે છે કે આજે એ દિવસ છે જ્યારે મારે આ વાત કહેવી જ પડશે. ફિલ્મના પૉઝિટિવ પ્રચાર માટે માર્કેટિંગના નામે પૈસા આપવાની સિસ્ટમ બ્લૅકમેઇલિંગ છે અને જો તમે તેમને પૈસા ન આપો તો તેઓ ફિલ્મ વિશે સતત નકારાત્મક વાતો લખતા રહેશે. આ બધું એક પ્રકારની ખંડણી સિવાય બીજું કંઈ લાગતું નથી. આ એક એવી મહામારી છે જે આપણી ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને મોટા પાયે અસર કરવાની છે. દુર્ભાગ્યે કોઈને આ ખોટું નથી લાગતું અને એેને ન્યુ નૉર્મલ માનવાનો ટ્રેન્ડ પણ ખોટો છે અને એ અંતે બધાને નુકસાન પહોંચાડશે. હું આ વાત એક અત્યંત પ્રામાણિક વ્યક્તિની પત્ની તરીકે કહી રહી છું જેણે પોતાની ટીમ સાથે મળીને પોતાની અથાક મહેનત, વિઝન અને ધૈર્ય સાથે આ ફિલ્મને પોતાનું સર્વસ્વ આપ્યું છે જેથી કંઈક એવું બનાવી શકાય જેના પર ભારતને ગર્વ થશે. હું આ વાત સિનેમાજગતના એક અત્યંત ચિંતિત સભ્ય તરીકે કહી રહી છું જે અન્ય ઘણા ઇન્ડસ્ટ્રી-પ્રોફેશનલ્સની જેમ ભારતીય સિનેમાને એની સંપૂર્ણ ક્ષમતા સાથે ખીલતું જોવા માગે છે. ફિલ્મ-મેકિંગ અને એને દુનિયા સમક્ષ રજૂ કરવાના આનંદને સમાપ્ત ન કરો અને દર્શકોને એ નક્કી કરવા દો કે તેઓ શું અનુભવે છે. આપણે આપણી ઇન્ડસ્ટ્રીના માહોલનું રક્ષણ કરવાની જરૂર છે.’


