ફિલ્મોમાં આવવા માટે તેણે વાળ કપાવી નાખ્યા હતા. એથી તેના પિતા બિશન સિંહ બેદી એટલા તો નારાજ થયા હતા કે અંગદ સાથે ૧૫ વર્ષ વાત નહોતી કરી
અંગદ બેદી
અંગદ બેદીએ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘ફાલતુ’થી બૉલીવુડમાં શરૂઆત કરી હતી. જોકે ફિલ્મોમાં આવવા માટે તેણે વાળ કપાવી નાખ્યા હતા. એથી તેના પિતા બિશન સિંહ બેદી એટલા તો નારાજ થયા હતા કે અંગદ સાથે ૧૫ વર્ષ વાત નહોતી કરી. બિશન સિંહ બેદી ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન હતા. ગયા વર્ષે તેમનું નિધન થયું હતું. અંગદ જ્યારે ફિલ્મમાં કરીઅર બનાવવા માગતો હતો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે લાંબા વાળવાળો તેનો લુક ચાલશે નહીં. આ જ કારણ છે કે તેણે હેર કટ કરાવ્યા હતા. જોકે સિખ હોવાથી હેર કટ કરવાનું તેના પિતાને ગમ્યું નહીં. પિતાને યાદ કરતાં અંગદ કહે છે, ‘તેમના દિલને ઠેસ પહોંચી હતી, તેઓ ગુસ્સે નહોતા થયા. હર્ટ થયું એ ગુસ્સા કરતાં પણ વધુ છે. હું બેદી છું. હું ગુરુ નાનકનો વંશજ છું. ઘણા લોકોએ મને સલાહ આપી કે મારે ફરીથી વાળ વધારવા જોઈએ. કદાચ એક દિવસ હું વધારીશ. એ વખતે મને વિચાર આવ્યો કે જો મારે પૂરી રીતે ફિલ્મોમાં સમર્પિત થવું હોય તો મારે વાળ કપાવવા જ પડશે. મારી ફિલ્મ ‘પિંક’ રિલીઝ થઈ ત્યાં સુધી તેઓ મારાથી નારાજ રહ્યા હતા. મને યાદ છે કે હું ૧૮-૧૯ વર્ષનો હતો, જ્યારે મેં વાળ કપાવ્યા હતા. ‘પિંક’ રિલીઝ થઈ ત્યારે હું ૩૩ વર્ષનો હતો. ફિલ્મ જોયા બાદ તેમણે મને ગળે લગાવ્યો. એથી એટલાં વર્ષ લગભગ ૧૫ વર્ષ સુધી તેમણે મારી સાથે વાત નહોતી કરી.’

