મિકા સિંહે તેનાં લગ્ન માટે આયોજિત રિયલિટી શો ‘સ્વયંવર : મિકા દી વોહતી’માં જણાવ્યું હતું કે તેને સિંગર શાને રિક્ષામાં આવવાની સલાહ આપી હતી.
મીકા સિંહ
મિકા સિંહે તેનાં લગ્ન માટે આયોજિત રિયલિટી શો ‘સ્વયંવર : મિકા દી વોહતી’માં જણાવ્યું હતું કે તેને સિંગર શાને રિક્ષામાં આવવાની સલાહ આપી હતી. તેણે એમ પણ જણાવ્યું કે જો રિક્ષામાં આવે તો જ કામ મળશે. એ વખતે મિકાને શાને એમ પણ સલાહ આપી હતી કે તે મોંઘીદાટ કારમાં ન આવે. એ વિશે મિકાએ કહ્યું કે ‘હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે શાને મને કહ્યું કે તમે મોટી-મોટી ગાડીઓમાં ન આવો, કેમ કે નહીં તો કામ નહીં મળે. તમે માત્ર ઑટોમાં આવો તો કામ મળશે. એ વખતે મને લાગ્યું કે મારે એ સ્થિતિ બદલવી જોઈએ. સિંગર માત્ર સિન્ગિંગ શોમાં જ ન દેખાય પરંતુ તેને બધા જ ક્ષેત્રે તક મળે. આજે તમે કોઈ પણ રિયલિટી શો જુઓ, તમને એક સિંગર તો દેખાશે જ. પછી ભલે તેને ડાન્સ ન આવડતો હોય, પરંતુ તે ડાન્સિંગ શોને જજ કરતો જોવા મળશે. એવું શું કામ થાય? કારણ કે તે પૉપ્યુલર છે. બાદમાં તે કૉમેડી શોમાં પણ દેખાશે. સિંગર્સની બાબતમાં મારે આ જ વસ્તુ જોઈતી હતી. આજે દરેક પંજાબી સિંગરને ચાન્સ મળે છે અને એથી હું ખુશ છું. મારું સપનું હતું કે ગાયકોને પણ સન્માન મળે. માત્ર બેસ્ટ સિંગરના અવૉર્ડ સુધી જ તેઓ સીમિત ન રહે.’


