નુશરત ભરૂચાએ હરિયાણવીની ટ્રેઇનિંગ સૌથી પહેલાં કોણે આપી હતી?
નુશરત ભરૂચાએ હરિયાણવીની ટ્રેઇનિંગ સૌથી પહેલાં કોણે આપી હતી?
ઍક્ટર્સ તેમના પાત્રનો લોકો સ્વીકાર કરે એ માટે કોઈ કસર નથી છોડતા અને એમાં નુશરત ભરૂચાનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં મોટી થયેલી નુશરતે તેની આગામી ફિલ્મ ‘છલાંગ’ માટે હરિયાણવી શીખી હતી. આ ફિલ્મમાં તે હરિયાણવી ટીચરનું પાત્ર ભજવી રહી છે જેમાં તેની સાથે રાજકુમાર રાવ પણ છે. આ વિશે વાત કરતાં નુશરતે કહ્યું હતું કે ‘ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિ હરિયાણવી જાણતું હતું. કોઈ ત્યાંથી હતું અને કોઈ ત્યાં લાંબા સમય સુધી રહ્યું હતું એથી દરેકે ત્યાંનો લહેજો પકડી લીધો હતો. હું એક જ એવી વ્યક્તિ હતી જે ફક્ત મુંબઈમાં મોટી થઈ હતી. મને એ પણ નહોતી ખબર કે હરિયાણવી બોલીની ઢબ શીખવા માટે શરૂઆત ક્યાંથી કરું. હું પોતાના પર કામ કેવી રીતે કરું એ પણ મને સમજ નહોતી પડી રહી. હું એટલું જાણતી હતી કે આ કારણસર લોકો મારી લાઇનને પસંદ ન કરે હું એ નહોતી ઇચ્છતી. હું મારો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માગતી હતી.’
રાજકુમાર રાવે તેની મદદ કેવી રીતે કરી એ વિશે પૂછતાં નુશરતે કહ્યું હતું કે ‘રાજ શૉટ્સ દરમ્યાન મને મારા હરિયાણવી લહેજા પર ખૂબ જ મદદ કરતો હતો. તે પહેલો એવો વ્યક્તિ હતો જેણે મારા હરિયાણવી કોચિંગ ક્લાસ લીધા હતા. અમે રીડિંગ સાથે કર્યું હતું અને એ દરમ્યાન તેણે મને ઉચ્ચાર કરતાં શીખવાડવાની સાથે મારાં એક્સપ્રેશન કેવાં હોવાં જોઈએ એ પણ શીખવ્યું હતું. ત્યાર બાદ અમે એ માટે એક ટીચરને રાખ્યો હતો જે અમારી મદદ કરતા હતા.’

