હોટેલને જ ઘર બનાવી દીધું વાણી કપૂરે
વાણી કપૂર
વાણી કપૂર હાલમાં જ ખૂબ જ વ્યસ્ત હોવાથી તેણે છેલ્લા ઘણા દિવસથી હોટેલને જ તેનું નવું ઘર બનાવી દીધું છે. વાણી હાલમાં ચંડીગઢમાં આયુષ્માન ખુરાના સાથે ‘ચંડીગઢ કરે આશિકી’નું શૂટિંગ કરી રહી છે. આ પહેલાં તે સ્કૉટલૅન્ડમાં લગભગ બે મહિના સુધી અક્ષયકુમાર સાથે ‘બેલ બૉટમ’નું શૂટિંગ કરી રહી હતી. તે દિવાળી દરમ્યાન પણ શૂટિંગ કરી રહી હોવાથી તેના ફૅમિલી અને ફ્રેન્ડ્સને નહીં મળી શકે. આ વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘હું છેલ્લા ઘણા મહિનાથી મારા ઘરથી દૂર રહું છું. આગામી ઘણા મહિના સુધી પણ હું ઘરથી દૂર રહીશ. હું આ વિશે કોઈ ફરિયાદ નથી કરી રહી, કારણ કે આ સમયે પણ મને આટલું બધું કામ મળી રહ્યું છે એની મને ખુશી છે. હું મારા પેરન્ટ્સ અને બહેનને ઘણા સમયથી નથી મળી અને હું મહિનાઓથી હોટેલની રૂમમાં જ રહું છું. જોકે મને લાગે છે કે ઍક્ટર્સ માટે આ એક નવું નૉર્મલ હશે. અમારે અમારી આસપાસ બાયો બબલ બનાવવું જરૂરી છે જેથી સરળતાથી કામ ચાલુ રહી શકે. અમે દર્શકોને એન્ટરટેઇન કરવા માટે ફિલ્મ બનાવતા રહીશું.’


