લખનઉમાં ફોટો ક્લિક કરાવવા માટે શ્રદ્ધાને ઘેરી વળ્યા લોકો; ઝહીર સાથે હનીમૂન મનાવી રહી છે સોનાક્ષી અને વધુ સમાચાર
ફાઇલ તસવીર
શાહરુખ ખાનને ૭૭મા લોકાર્નો ફિલ્મ-ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે. આ ફિલ્મ-ફેસ્ટિવલ સ્વિટ્ઝરલૅન્ડમાં થાય છે. સ્વિટ્ઝરલૅન્ડમાં શાહરુખ ખાન અને યશ ચોપડાની ફિલ્મો ખૂબ જ ફેમસ છે. આ ફેસ્ટિવલનો સૌથી સન્માનિત અવૉર્ડ ‘કરીઅર લેપર્ડ’ એવી વ્યક્તિને આપવામાં આવે છે જે વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહી હોય. સાત ઑગસ્ટથી શરૂ થઈ રહેલો આ ફેસ્ટિવલ ૧૭ ઑગસ્ટે પૂરો થઈ રહ્યો છે. દસમી ઑગસ્ટે આ અવૉર્ડ તેને આપવામાં આવશે. ત્યાર બાદ અગિયારમી ઑગસ્ટે તેની ‘દેવદાસ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યાર બાદ શાહરુખ ખાન એક ફોરમમાં ભાગ લેશે અને ફિલ્મો વિશે ચર્ચા કરશે.
લખનઉમાં ફોટો ક્લિક કરાવવા માટે શ્રદ્ધાને ઘેરી વળ્યા લોકો
ADVERTISEMENT
શ્રદ્ધા કપૂરને લખનઉમાં લોકોએ ઘેરી લીધી હતી. શ્રદ્ધા લખનઉમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યાં તે ઘણા યુવાનોને મળી પણ હતી અને તેમને ભેટી પણ હતી. જોકે તેની હોટેલની બહારનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે. તે હોટેલની બહાર નીકળી તેની કારમાં બેસી રહી છે. જોકે તેની સાથે હાથ મિલાવવા અને એક ફોટો ક્લિક કરાવવા માટે લોકો તેને ઘેરી વળ્યા હતા. હોટલના ગાર્ડ્સ દ્વારા લોકોને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. આથી શ્રદ્ધાએ મારે જવું પડશે એમ કહીને ત્યાંથી નીકળી ગઈ હતી.
સો કરોડની ક્લબમાં પહોંચી મુંજ્યા: ‘100 કરોડ ગર્લ’ તરીકે ઓળખાવાની ખુશી છે શર્વરી વાઘને
હૉરર-કૉમેડી ‘મુંજ્યા’ સો કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. સાત જૂને રિલીઝ થયેલી આ ફિલ્મમાં શર્વરી વાઘ, અભય વર્મા, મોના સિંહ અને સત્યરાજે કામ કર્યું છે. ચોથા વીકના ચોથા દિવસે એટલે કે સોમવારે ૫૭ લાખ રૂપિયાની સાથે ટોટલ ૧૦૦.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ધારવા કરતાં ખૂબ જ સારી સફળતા મેળવી છે. આ વિશે વાત કરતાં શર્વરી કહે છે, ‘ઘણા મોટા સ્ટાર્સને સો કરોડની ક્લબમાં અને મોટી-મોટી હિટ આપતા મેં જોયા છે. ઘણાબધા લોકો થિયેટર્સમાં આવીને તમને પ્રેમ આપે છે વિચારીને જ મને ખુશી થઈ જાય છે. ‘મુંજ્યા’ મારી કરીઅરની મારી બીજી ફિલ્મ છે. કરીઅરમાં આટલી જલદી સફળતા મેળવવી એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. ‘100 કરોડ ગર્લ’ તરીકે ઓળખાવું મારા માટે ખુશીની વાત છે.’
ઝહીર સાથે હનીમૂન મનાવી રહી છે સોનાક્ષી
સોનાક્ષી સિંહા હાલમાં તેના પતિ ઝહીર ઇકબાલ સાથે હનીમૂન પર છે. તેઓ ક્યાં ગયા છે એ વિશે તેમણે જાહેરાત નથી કરી, પરંતુ તેઓ સ્વિમિંગ-પૂલમાં જોવા મળી રહ્યાં છે. તેમણે ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં. ઝહીરનો હાલમાં એક ફોટો પણ વાઇરલ થયો હતો જેમાં તે સોનાક્ષીની હીલ્સ હાથમાં પકડીને ચાલી રહ્યો છે. સોનાક્ષીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેમના હનીમૂનના ફોટો શૅર કર્યા છે.
પાંચ દિવસ, 343 કરોડ: કલ્કિ 2898 ADએ બૉક્સ-ઑફિસ પર આટલા કરોડનો બિઝનેસ કર્યો
‘કલ્કિ 2898 AD’એ બૉક્સ-ઑફિસ પર પાંચ દિવસમાં 343.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસનની આ ફિલ્મને હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવી હતી. દરેક ભાષામાં મળીને આ ફિલ્મે ચાર દિવસમાં 305.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પાંચમાં દિવસ એટલે કે સોમવારના બિઝનેસ સાથે ટોટલ 343.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હિન્દીમાં આ ફિલ્મે ગુરુવારે 22.50 કરોડ, શુક્રવારે 23.25 કરોડ, શનિવારે 26.25 કરોડ, રવિવારે 40.15 કરોડ અને સોમવારે 16.50 કરોડની સાથે ટોટલ 128.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. દુનિયાભરના અન્ય દેશોમાં પણ આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.
ધ ઇન્ડિયા હાઉસ માટે હમ્પીના વિરુપક્ષા મંદિરમાં પૂજા કરી સઈ માંજરેકરે
સઈ માંજરેકર તેની ‘ધ ઇન્ડિયા હાઉસ’ માટે હમ્પી ગઈ છે. તેણે વિરુપક્ષા મંદિરમાં પૂજા કરી છે. રામચરણ દ્વારા આ ફિલ્મને પ્રેઝન્ટ કરવામાં આવી છે, જેને રામક્રિષ્ન વામસી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. મહેશ માંજરેકરની દીકરીની આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર જોવા મળશે. આ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે જેની સ્ટોરી ૧૯૦૫ની આસપાસની છે. એમાં લવ અને રેવલ્યુશન જોવા મળશે.

