રોલ્સ-રૉયલ કલિનન ખરીદવાનો નિર્ણય બાદશાહને હવે ઉતાવળિયો લાગે છે, અફસોસ થાય છે
બાદશાહ
ગયા વર્ષે રૅપર બાદશાહે રોલ્સ-રૉયસ કલિનન સિરીઝ ખરીદી હતી અને એ ખરીદનાર તે પહેલો ભારતીય સંગીતકાર બન્યો હતો. આ સાથે તે મુકેશ અંબાણી, શાહરુખ ખાન અને અજય દેવગનની હરોળમાં આવી ગયો છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં બાદશાહે સ્વીકાર્યું હતું કે ૧૨.૪૫ કરોડ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ ધરાવતી આ લક્ઝરી ગાડી ખરીદવાનો નિર્ણય મેં ઉતાવળમાં લીધો હતો.
રોલ્સ-રૉયસ કલિનનનો માલિક બન્યા પછીની લાગણી વિશે રૅપર બાદશાહે કહ્યું હતું કે ‘મને લાગે છે કે કાર ખરીદવાનો નિર્ણય બહુ ઉતાવળિયો હતો. મેં તરત જ નક્કી કરી લીધું હતું કે આજે જ આ કાર ખરીદવી છે. કાર ખરીદતી વખતે બહુ પૉઝિટિવ હતો. આ કાર સારી છે. ખરીદ્યા પછી એનો ઉત્સાહ મારે માટે ૧૦-૧૫ મિનિટ જ રહ્યો હતો અને પછી લાગ્યું કે હવે આગળ શું? મારા માટે કલિનન કાર ખરીદવી લાંબા ગાળાની ખુશી કરતાં વધુ એક સપનું પૂરું થવા જેવું હતું. મને એવું લાગે છે કે ટેક્નિકલી જેકંઈ શ્રેષ્ઠ હોય એ મારી પાસે હોવું જોઈએ. જોકે આ વિચારસરણી હોવા છતાં મને એનાથી બહુ ખુશી મળતી નથી.’


