ડૉ. મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મુદ્દે સોશ્યલ મીડિયા પર ચણભણાટ : પત્રકાર વીર સંઘવીએ ફિલ્મની ટીકા કરી અને તેમની પોસ્ટ પર ફિલ્મના ક્રીએટિવ ડિરેક્ટર હંસલ મહેતાએ ૧૦૦ ટકા સહમતી દર્શાવી એટલે અનુપમ ખેરે તેમને પાખંડી કહ્યા
અનુપમ ખેર, હંસલ મહેતા
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના ગુરુવારે થયેલા અવસાન બાદ સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ઍક્ટર અનુપમ ખેર અને ફિલ્મનિર્માતા હંસલ મહેતા વચ્ચે શાબ્દિક ચકમક ઝરી રહી છે. આ બેઉ જણે ડૉ. મનમોહન સિંહના જીવન પર ૨૦૧૯માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં સાથે કામ કર્યું હતું. પીઢ પત્રકાર વીર સંઘવીએ આ ફિલ્મની સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટીકા કરી હતી અને એને હંસલ મહેતાએ અનુમોદન આપ્યું હતું.
વીર સંઘવીએ શુક્રવારે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો તમારે ડૉ. મનમોહન સિંહની બાબતમાં બોલવામાં આવેલા જૂઠને યાદ કરવું હોય તો તમારે ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફરીથી જોવી જોઈએ એટલું જ નહીં, આ અત્યાર સુધી બનેલી સૌથી ખરાબ હિન્દી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ એ વાતનું પણ ઉદાહરણ છે કે એક સારા માણસને ખરાબ ચીતરવામાં કેવી રીતે મીડિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
વીર સંઘવીની આ પોસ્ટ પર હંસલ મહેતાએ સહમતી દર્શાવી હતી અને ફરી ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે ‘+100’. આ મુદ્દે લોકો હજી પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે શુક્રવારે રાત્રે ૯.૫૫ વાગ્યે અનુપમ ખેરે લાંબીલચક પ્રતિક્રિયા ધરાવતી પોસ્ટ લખી હતી.
‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં અનુપમ ખેરે ટાઇટલ રોલ ભજવ્યો હતો. હંસલ મહેતાએ આવી પ્રતિક્રિયા આપતાં તેઓ ગુસ્સે ભરાયા હતા અને હંસલ મહેતા પાખંડી અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હંસલ મહેતા ફિલ્મના ક્રીએટિવ ડિરેક્ટર હતા અને શૂટિંગ સમયે હાજર રહેતા હતા તથા તેમણે જ ફિલ્મનાં ક્રીએટિવ ઇનપુટ્સ આપ્યાં હતાં.
આ મુદ્દે અનુપમ ખેરે લખ્યું કે ‘આ મામલે પાખંડી વીર સંઘવી નહીં પણ હંસલ મહેતા છે. વીર સંઘવીને કોઈ ફિલ્મ ન ગમી હોય તો એ કહેવાની તેમને આઝાદી છે, પણ હંસલ મહેતા તો ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ક્રીએટિવ ડિરેક્ટર હતા. ઇંગ્લૅન્ડમાં ફિલ્મના આખા શૂટિંગ વખતે તેઓ હાજર હતા. તેઓ ક્રીએટિવ ઇનપુટ્સ આપતા હતા અને આ માટે તેમણે ચાર્જ લીધો જ હશે. આથી તેઓ જ્યારે વીર સંઘવીની કમેન્ટ પર ૧૦૦ ટકા સહમતી કહે છે એ ઘણું જ ગરબડભર્યું છે અને એમાં ડબલ સ્ટાન્ડર્ડ દેખાઈ આવે છે. એવું નથી કે હું વીર સંઘવી સાથે સહમત છું, પણ આપણે સૌ ખરાબ અથવા ડિફરન્ટ કામ કરી શકીએ છીએ. જોકે આપણે એને સ્વીકારવું જોઈએ, હંસલ મહેતાની જેમ લોકોના એક ખાસ વર્ગના લાડકા બનવાની કોશિશ ન કરવી જોઈએ. હંસલ મહેતા, મોટા થઈ જાઓ; મારી પાસે શૂટિંગની એ તસવીરો અને વિડિયો છે જેમાં આપણે સાથે-સાથે છીએ.’
અનુપમ ખેરના આ જવાબ બાદ હંસલ મહેતાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મને એક પ્રોફેશનલ તરીકે કામ કરવા માટે લેવામાં આવ્યો હતો અને મેં મારા તમામ બેસ્ટ પ્રયાસો દ્વારા કામ કર્યું હતું. આ ફિલ્મ કરવી એ એક ભૂલ હતી.’
હંસલ મહેતાએ લખ્યું છે, ‘મિસ્ટર અનુપમ ખેર, મારી ભૂલ માટે હું જ જવાબદાર છું. હું એ કબૂલું છું કે એ મારી મિસ્ટેક હતી. હું એમ ન કરી શકું સર? મેં મારું કામ પ્રોફેશનલી કર્યું, જેટલું કરવાની મને છૂટ હતી. શું તમે એનો ઇનકાર કરી શકો છો? પણ એનો અર્થ એ નથી કે મારે ફિલ્મનો બચાવ કરતા રહેવું જોઈએ અથવા મારા નિર્ણયને સાચો બતાવતા રહેવું જોઈએ. બ્રાઉની પૉઇન્ટ્સ અને પાખંડ વિશે હું આદરપૂર્વક કહેવા માગું છું કે તમે તમારી જાતનું મૂલ્યાંકન કરો છો એ જ માપદંડથી તમે લોકોનું મૂલ્યાંકન કરો છો.’
હંસલ મહેતાએ અનુપમ ખેરની માફી પણ માગી છે અને લખ્યું છે કે જો અજાણતાં તમને દુખ થયું હોય તો માફી માગું છું.
ત્યાર બાદ અનુપમ ખેરે હંસલ મહેતાની ઘણી જૂની ટ્વીટ શોધી હતી જેમાં તેમણે ફિલ્મ બનાવવા માટે ઍક્ટરો અને ફિલ્મની ટીમની પ્રસંશા કરી હતી. આમાંથી ઘણી જૂની ટ્વીટ તેમણે રી-પોસ્ટ કરી છે, પણ કોઈ કમેન્ટ મૂકી નથી.