સ્વરા ભાસ્કર કહે છે કે મારા મનમાં કોઈ કડવાશ નથી, પણ દુ:ખ જરૂર થાય છે
સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર પોતાના બેધડક અને નીડર વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક પરિસ્થિતિ વિશે ડર્યા વગર પોતાના વિચાર વ્યક્ત કરતી રહે છે. જોકે પોતાના આ અભિગમની સ્વરાએ મોટી કિંમત ચૂકવી છે અને હજી પણ ચૂકવી રહી છે. સ્વરાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે મારા રાજકીય વિચારોને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ મને બ્લૅકલિસ્ટ કરી દીધી છે જેની મારી ફિલ્મી કરીઅર પર ખરાબ અસર થઈ છે. સ્વરાને લાગે છે કે તેના રાજકીય અભિગમને કારણે તેની ઍક્ટિંગ-ટૅલન્ટની ભારોભાર અવગણના કરવામાં આવે છે.
આ ઇન્ટરવ્યુમાં સ્વરાએ કહ્યું છે કે ‘મારો જે પ્રકારનો રાજકીય અભિગમ છે એને ધ્યાનમાં રાખીને મને બ્લૅકલિસ્ટ કરી દેવામાં આવી હશે. આ વાતને ન સ્વીકારવાનો કોઈ મતલબ નથી. આ બહુ ક્લિયર છે. જોકે આને કારણે મારા મનમાં કોઈ કડવાશ નથી. મેં એક રસ્તો પસંદ કર્યો જેને માટે મારે કિંમત ચૂકવવી પડી છે. જોકે મને એ વાતનું ખરાબ લાગે છે અને દુ:ખ થાય છે. મને મારું કામ ગમતું હતું અને હજી ગમે છે. હું એક કાબેલ ઍક્ટ્રેસ હતી અને આશા છે કે હજી પણ રહીશ. હું આને માટે માત્ર બૉલીવુડને જવાબદાર નથી ગણતી. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં સત્તાધીશોએ તેમનાથી અલગ મત ધરાવતા લોકોને સજા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે નક્કી કર્યું છે કે અસહમતીને અપરાધ જાહેર કરશે અને એને રાષ્ટ્રવિરોધી તેમ જ દેશની સુરક્ષા માટે ખતરો ગણી લેવામાં આવશે.’
ADVERTISEMENT
સ્વરાએ પોતાની કરીઅરમાં ‘તનુ વેડ્સ મનુ’, ‘અનારકલી ઑફ આરા’ અને ‘નીલ બટ્ટે સન્નાટા’ જેવી ફિલ્મો કરી છે અને એ ફિલ્મમાં તેના સારા અભિનયની નોંધ પણ લેવામાં આવી હતી. એ પછી તે બીજી ફિલ્મોમાં પણ જોવા મળી હતી, પણ તેને દમદાર રોલ નથી મળ્યા.