સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી
સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી
ઝારખંડની રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલની મદદ કરી સોનુ સૂદે. કોનિકા સ્ટેટ લેવલની ચૅમ્પિયન છે. ગયા વર્ષે સ્ટેટ લેવલ પર થયેલી કૉમ્પિયિશનમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જોકે તેની પાસે પોતાની રાઇફલ નથી એથી તેને બીજા પાસેથી રાઇફલ લેવી પડે છે. આ જ કારણસર સોનુ સૂદને ટૅગ કરીને ટ્વિટર પર કોનિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઝારખંડ સ્ટેટ લેવલ રાઇફલ શૂટિંગ ચૅમ્પિયનશિપ ૨૦૨૦માં મને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળ્યો હતો. જોકે ઝારખંડ સરકાર તરફથી હજી સુધી મદદ નથી મળી. પ્લીઝ, મને એક રાઇફલની મદદ કરો.’
સોનુ સૂદે તરત જ પોતાની ટીમ સાથે મળીને તેને રાઇફલ પહોંચાડી આપી હતી. સોનુ સૂદે અત્યાર સુધી કેટલાય લોકોને મદદ કરી છે. એવામાં કોનિકાને મદદ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે હું કોનિકા જેવી ટૅલન્ટેડને તેનું સપનુ પૂરું કરવા માટે મદદ કરી શક્યો છું. સોશ્યલ મીડિયામાં અનેક લોકોએ મને તેમની મદદ કરવા માટે અપીલ કરી હતી. મેં તરત જ મારી ટીમને એક રાઇફલની વ્યવસ્થા કરી આપવા કહ્યું હતું. આપણા દેશની કોઈ પણ ટૅલન્ટ વ્યર્થ ન જવી જોઈએ. હું નસીબદાર છું કે મને પણ તેની જર્નીનો એક ભાગ બનવાની તક મળી છે.’

