સોનુ નિગમનું માનવું છે કે જો ઍક્ટર્સ સિંગર્સ માટે લડતા હોત તો તે આજે પણ શાહરુખ ખાન માટે ફિલ્મોમાં ગીત ગાતો હોત.
સોનુ નિગમ
સોનુ નિગમનું માનવું છે કે જો ઍક્ટર્સ સિંગર્સ માટે લડતા હોત તો તે આજે પણ શાહરુખ ખાન માટે ફિલ્મોમાં ગીત ગાતો હોત. સોનુ નિગમે ગાયેલાં તમામ ગીતો ખૂબ હિટ રહ્યાં છે. તેનો અવાજ લોકોને પણ ખૂબ ગમે છે. તેણે શાહરુખની ફિલ્મ ‘પરદેસ’માં ‘યે દિલ દીવાના’ ગીત ગાયું હતું. સોનુનું કહેવું છે કે કલાકારો કદી પણ સિંગર્સનો પક્ષ નથી લેતા. એ વિશે વિસ્તારમાં સોનુએ કહ્યું કે ‘મને નથી લાગતું કે ઍક્ટર્સ કદી પણ તેમની ફિલ્મમાં સિંગર્સ માટે લડતા હોય. જો એવું હોત તો હું આજે પણ શાહરુખ ખાન માટે ગીત ગાતો હોત. ઍક્ટર્સને લાગે છે કે એ જવાબદારી કમ્પોઝર્સ અને ડિરેક્ટરની છે. ઍક્ટર્સ પોતાની ઇચ્છા તો વ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ કદી ફાઇટ નથી કરતા.’
આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે સોનુએ ગીત ગાયું હતું. સોનુ નિગમને આ ફિલ્મમાં લાવવા માટે આમિરે જ દબાણ કર્યું હતું. સાથે જ આમિર ખાનની ‘PK’માં તેની કેવી રીતે એન્ટ્રી થઈ એ વિશે સોનુ નિગમે કહ્યું કે ‘ફિલ્મ ‘PK’માં મેં ‘ભગવાન હૈ કહાં રે તૂ’ ગાયું હતું. એ વખતે મ્યુઝિક કંપની સાથે મારો વિવાદ થયો હતો. એથી તેઓ મને ફિલ્મમાં ગાવા દેવા નહોતા માગતા. જોકે રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપડાએ મારો સપોર્ટ કર્યો અને કહ્યું કે સોનુ હી ગાએગા.’