શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવા પર પુત્રી સોનાક્ષીએ આપ્યો જવાબ
પિતાના નિર્ણયને સોનાક્ષીએ કર્યો સપોર્ટ(તસવીર સૌજન્યઃ સોનાક્ષી સિન્હા ઈન્સ્ટાગ્રામ)
બૉલીવુડ અભિનેતા અને પૂર્વ ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને તેમની પુત્રી સોનાક્ષી સિન્હાએ પ્રતિક્રિયા આપી છે. સોનાક્ષીએ કહ્યુંકે મારા પિતા આ કામ(ભાજપ છોડવાનું અને કોંગ્રેસમાં જોડાવાનું) પહેલા જ કરી દેવું જોઈતું હતું. આ તેમની પસંદ છે અને તેઓ કેમ ન કરે. મને લાગે છે કે જો તમે ક્યાંક ખુશ નથી તો તમારે બદલાવ કરવો પડશે અને તેમણે પણ એ જ કર્યું. મને આશા છે કે કોંગ્રેસની સાથે જોડાયા બાદ તેઓ વધુ સારું કામ કરી શકશે અને તે પણ અપમાનિત થયા વગર.
ADVERTISEMENT
સોનાક્ષી આટલું જ કહીને ન રોકાઈ તેણે આગળ કહ્યું કે, મારા પિતા જે પી નારાયણજી, અટલજી અને અડવાણીજીના સમયથી પક્ષના સભ્ય છે. પાર્ટીમાં તેમનું ખુબ જ સન્માન છે. પરંતુ મને નથી લાગતુ કે અત્યારે તેમને એટલું સન્માન નથી મળી રહ્યું જેને તેઓ લાયક છે. તેમણે નિર્ણય લેવામાં મોડું કર્યું છે, આ નિર્ણય તેમણે પહેલા કરી લેવો જોઈતો હતો.
ચૈત્રી નવરાત્રિમાં શત્રુઘ્ન જોડાશે કોંગ્રેસમાં
અભિનેતા શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના જ કોંગ્રેસમાં જોડાવાના હતા. પરંતુ વાત અટકી ગઈ હતી. બાદમાં તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી જાહેરાત કરવામાં આવી હતી કે સિન્હા ચૈત્રી નવરાત્રિ દરમિયાન કોંગ્રેસમાં જોડાશે. મહત્વનું છે કે શત્રુઘ્ન સિન્હા બિહારના પટના સાહિબથી ભાજપના સાંસદ રહી ચુક્યા છે.

