સોનુ સૂદને ટ્રિબ્યુટ આપ્યું શિલ્પાના દીકરાએ
સોનુ સૂદને ટ્રિબ્યુટ આપ્યું શિલ્પાના દીકરાએ
શિલ્પા શેટ્ટી કુન્દ્રાના દીકરા વિઆને સ્કૂલના ‘ટ્રુ હીરો’નો પ્રોજેક્ટ સોનુ સૂદને સમર્પિત કર્યો છે. સોનુ સૂદે આ લૉકડાઉન દરમ્યાન અનેક જરરિયાતમંદોની ખૂબ મદદ કરી છે. સાથે જ કેટલાય લોકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે, ઑનલાઇન સ્ટડીઝ માટે સ્ટુડન્ટ્સને મોબાઇલ અપાવ્યા છે, કેટલાકની સ્ટડીઝ માટેની ફી ભરી છે, તો કોઈની સારવાર માટે મદદ કરી છે. હાલમાં જ સોનુ સૂદે બાળકોને ભણવામાં થતી તકલીફને જોતાં હરિયાણાના એક ગામમાં મોબાઇલ ટાવર લગાવડાવ્યો હતો. આ બધી સહાયને ધ્યાનમાં રાખતાં બાળકોમાં તે લોકપ્રિય બની ગયો છે. વિઆને બનાવેલા ઍનિમેટેડ પ્રોજેક્ટની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘આ છે વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ ‘ટ્રુ હીરો’ જે સોનુ સૂદને સમર્પિત કર્યો છે. બાળકો તેમની આસપાસ બનતી તમામ ઘટનાઓ પર બારીકાઈથી ધ્યાન આપે છે. વિઆનનો પ્રોજેક્ટ એ તમામ ઘટનાઓનું પુનરાવર્તન કરે છે. તેના પ્રોજેક્ટનો વિષય હતો, ‘એવા લોકો જે સમાજમાં પરિવર્તન લાવ્યા.’ છેલ્લા થોડા મહિનામાં જેકંઈ બન્યું એનું તે સતત નિરીક્ષણ કરતો હતો. મારા ફ્રેન્ડ સોનુ સૂદે નિઃસ્વાર્થભાવે જરૂરિયાતમંદ લોકોની કરેલી મદદની તેણે પ્રશંસા કરી છે. એવા સમયે જ્યારે લોકો ડરના માર્યા ઘરમાં બેસી રહ્યા હતા, પણ તેણે હિંમતત ન હારતાં લોકોની લાગણીને સમજીને તેમને તકલીફમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. સોનુએ જે પ્રકારે માઇગ્રન્ટ્સની કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સેવા કરી એ બાબત વિઆનને સ્પર્શી ગઈ હતી. એથી સોનુ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેણે આ હીરો માટે આ ખૂબ જ સરસ ઍનિમેટેડ વિડિયો બનાવ્યો, લખ્યો, ડબ કર્યો અને એડિટ કર્યો છે. તમારા સૌની સાથે આ શૅર કરતાં મને ગર્વ થઈ રહ્યો છે. મારા માટે ‘પ્રાઉડ મમ્મી મોમેન્ટ’ (વિઆન માત્ર ૮ વર્ષનો છે) છે. સોનુ આ તારા માટે છે.’

