ક્રીએટિવ મતભેદ થતાં કરણ જોહરની યોદ્ધામાંથી ખસી ગયો શાહિદ કપૂર
કરણ જોહરની ‘યોદ્ધા’ સાથે ક્રીએટિવ મતભેદ થતાં શાહિદ કપૂર હવે આ ફિલ્મમાંથી હટી ગયો છે. ‘જર્સી’નું કામ પૂરું કર્યા બાદ શશાંક ખૈતાનની ‘યોદ્ધા’નું શૂટિંગ શાહિદ શરૂ કરવાનો હતો. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળશે. જોકે આ ફિલ્મની હજી સુધી જાહેરાત નથી કરવામાં આવી. ચર્ચા એવી છે કે શાહિદને આ ફિલ્મની ટીમ સાથે સ્ક્રિપ્ટને લઈને ખાસ્સો મતભેદ હતો. કેટલાકનું કહેવું છે કે શાહિદની ‘કબીર સિંહ’ને મળેલી સફળતાથી તે અતિશય ઉદ્ધત અને અવિવેકી બની ગયો છે અને પોતાની મનમાની પણ ખૂબ ચલાવે છે. આ બધાની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે તેણે આ ફિલ્મ સાઇન પણ નહોતી કરી. આ જ કારણ છે કે કરણ જોહરે ફિલ્મને લઈને કોઈ જાહેરાત નહોતી કરી. હવે એ જોવું રહ્યું કે કરણ જોહર અને શશાંક કોઈ નવા હીરોની શોધ કરે છે કે પછી શાહિદ કપૂર સાથે સમાધાન કરવા તૈયાર છે.

