ક્રિસમસના દિવસે ફક્ત ૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ અને ગઈ કાલથી ટિકિટમાં ખૂબ ઘટાડો નોંધાયો
ડંકી ફિલ્મ નો સીન
શાહરુખ ખાનની ‘ડંકી’ આમિર ખાનની ‘દંગલ’ને ક્રૉસ નથી કરી શકી. ૨૧ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ડંકી’એ ક્રિસમસના દિવસે હિન્દીમાં ૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ‘દંગલ’ના ક્રિસમસના દિવસના બિઝનેસ ૪૨.૪૧ કરોડનો આંકડો પાર નથી કરી શકી. શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ની ગજબની સફળતા બાદ ‘ડંકી’ પાસે ખૂબ આશા રાખવામાં આવી રહી હતી. જોકે આ ફિલ્મી ટક્કર પ્રભાસની ‘સલાર – પાર્ટ 1 : સીઝફાયર’ સાથે થઈ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં એક્સ્ટ્રીમ ઍક્શન છે, પરંતુ દર્શકો એને પસંદ કરી રહ્યા છે. આથી ‘ડંકી’ના બિઝનેસ પર એની અસર પડી છે. ‘ડંકી’નો હિન્દીમાં પાંચ દિવસનો બિઝનેસ ૧૨૮ કરોડ રૂપિયા છે. જોકે વર્લ્ડવાઇડ આ ફિલ્મે ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એની સામે પ્રભાસની ફિલ્મે ચોથા દિવસે ૪૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસમાં ૧૩.૫૦ કરોડ હિન્દી વર્ઝનના છે અને બાકીનો બિઝનેસ અન્ય ભાષાઓનો છે. આ ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઇડ ૪૫૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે અને ઇન્ડિયામાં ૨૫૦ કરોડનો આંકડો ક્રૉસ કર્યો છે. ક્રિસમસ બાદ શાહરુખ ખાનની ‘ડંકી’ના બિઝનેસ પર ખૂબ અસર પડી છે. આ ફિલ્મની ટિકિટમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


