પંદર જાન્યુઆરીએ થશે તાંડવ
સૈફ અલી ખાનની પૉલિટિકલ-ડ્રામા ‘તાંડવ’ને પંદર જાન્યુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. ‘ટાઇગર ઝિંદા હૈ’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર દ્વારા આ શોને ડિરેક્ટ કરવામાં આવ્યો છે. આ શોનું નામ પહેલાં દિલ્હી હતું, પરંતુ એને બદલીને ‘તાંડવ’ કરવામાં આવ્યું હતું. આ શો દ્વારા અલી તેનો ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે અને તેની સાથે ડિમ્પલ કાપડિયાનો પણ આ ડિજિટલ ડેબ્યુ છે. સૈફની સાથે, ડિમ્પલ કાપડિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મોહમ્મદ ઝીશાન અયૂબ, ક્રિતિકા કામરા, સારા જેન ડાયસ, અનુપ સોની, હિતેન તેજવાણી, પરેશ પાહુજા, તિગ્માંશુ ધુલિયા અને સુનીલ ગ્રોવર જોવા મળશે. પાવર માટે લોકો શું-શું કરતા હોય છે એ આ શોમાં જોવા મળશે. નવ એપિસોડનો આ શો 200 દેશમાં જોવા મળશે. આ વિશે અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે ‘અમે ‘તાંડવ’ દ્વારા દર્શકોને પૉલિટિક્સમાં જે પાવરની ભૂખ છે એની દુનિયામાં લઈ જઈશું. તમે આ શો જોશો તો તમને ખબર પડશે કે સાચું અથવા તો ખોટું કંઈ નથી હોતું. બ્લૅક ઍન્ડ વાઇટ કંઈ નથી હોતું, પૉલિટિક્સમાં બધું ગ્રે જ હોય છે. મારું માનવું છે કે સારી સ્ટોરી માટે સારા ઍક્ટર્સ જોઈએ છે અને મારા શોમાં આવા લોકો હોવાની મને ખુશી છે. મને ખુશી છે કે ક્રીએટર અને ડિરેક્ટર તરીકે હું મારો ડિજિટલ ડેબ્યુ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો દ્વારા કરી રહ્યો છું, કારણ કે એના દ્વારા દુનિયાભરના ઘણા લોકો આ શોને જોઈ શકશે.’


