PKની સીક્વલની સ્ટોરીને આગળ વધારશે રણબીર?
રણબીર કપૂર
આમિર ખાનની ‘PK’ની સીક્વલમાં રણબીર કપૂર સ્ટોરીને આગળ વધારશે એવી ચર્ચા ચાલી રહી છે. રાજકુમાર હીરાણીની ‘PK’માં આપણે જોયું હતું કે ફિલ્મના એન્ડમાં રણબીર કપૂર બીજા ગ્રહ પરથી આવે છે અને ફિલ્મ ત્યાં પૂરી થાય છે. ‘PK’માં આમિર ખાન સાથે અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત અને બમન ઈરાનીએ પણ કામ કર્યું હતું. સંજય દત્તે આ ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવ્યું હતું. જોકે આ ફિલ્મની સીક્વલમાં રણબીર કપૂર લીડ રોલમાં હશે એવી ફરી ચર્ચા ચાલી રહી છે. ‘સંજુ’ બાદ રાજકુમાર હીરાણી સાથે તેની આ બીજી ફિલ્મ હશે. પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા પણ યોગ્ય સમયે આ ફિલ્મ બનાવવાની રાહમાં છે. જોકે તેનું એમ પણ કહેવું છે કે લેખક અભિજાત જોશીએ હજી સુધી કોઈ સ્ટોરી નથી લખી. તે સ્ટોરી લખશે પછી જ સીક્વલ બનાવવામાં આવશે. વિધુ વિનોદ ચોપડાનું માનવું છે કે ફ્રૅન્ચાઇઝીથી અઢળક પૈસા કમાઈ શકાય છે, પરંતુ તેને તો પાવરફુલ સ્ટોરી જોઈએ છે. પૈસા રળવા એ તેનો ઉદ્દેશ નથી. જો પૈસા જ કમાવા હોત તો તેમણે અત્યાર સુધીમાં ‘મુન્નાભાઈ’ની ૬થી ૭ સિરીઝ અને ‘PK’ની બેથી ત્રણ ઇન્સ્ટૉલમેન્ટ્સ બનાવી લીધી હોત.

