કૉપીરાઇટ કેસને કારણે ત્રણ અઠવાડિયાં બાદ ફરી શૂટિંગ શરૂ થાય એવી શક્યતા
‘રામાયણ’ની વાયરલ થયેલી તસવીરો
રણબીર કપૂરની ‘રામાયણ’નું શૂટિંગ અટકી ગયું છે. આ ફિલ્મને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યો છે અને એનું શૂટિંગ ગોરેગામના ફિલ્મસિટીમાં થઈ રહ્યું હતું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને લુકથી લઈને દરેક વસ્તુનું પ્લાનિંગ મધુ મન્ટેનાએ કર્યું હતું. તે ફિલ્મમાંથી હટી જતાં તેને કૉન્ટ્રૅક્ટ મુજબ અમુક પૈસા આપવાની ડીલ થઈ હતી. જોકે એ પૈસા ન મળતાં તેણે લીગલ કેસ કરવાની વાત કરી હતી. જોકે હવે તેને પૈસા ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ અટકાવવા માટે તેણે વિનંતી કરી છે, નહીંતર લીગલ કેસ કરવાનો તેની પાસે છેલ્લો રસ્તો છે. આથી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. નોટિસ મળ્યા બાદ પણ શૂટિંગ ચાલુ હતું, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે. જલદી એ મૅટરનો ઉકેલ લાવવામાં આવશે અને ત્રણ અઠવાડિયાંમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે. હવે લીડ ઍક્ટર્સના શેડ્યુલને લઈને પણ મુશ્કેલી પડી રહી છે. સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો છે. રણબીર હવે ‘લવ & વૉર’માં વ્યસ્ત થશે અને સની દેઓલ ‘બૉર્ડર 2’માં વ્યસ્ત થઈ જશે એવી શક્યતા છે.


