પડકારજનક પાત્રો ભજવવાં છે પરેશ રાવલને
પરેશ રાવલ
પરેશ રાવલનું કહેવું છે કે તેમને એવાં પાત્રો ભજવવાં છે જે પડકાર આપી શકે. તેઓ એક ઉમદા કલાકાર છે. ચૅલેન્જિસને સ્વીકારવી ગમે છે એ વિશે જણાવતાં પરેશ રાવલે કહ્યું હતું કે, ‘હું ઘણાં વર્ષોથી કામ કરું છું અને એક સમય બાદ દર્શકો પણ ઓળખી લે છે કે તમે કેવા પ્રકારના કલાકાર છો. સમયની સાથે કલાકારની પસંદગીઓ પણ બદલાય છે. હું હવે એવી સ્ક્રિપ્ટ અને એવાં કૅરૅક્ટર શોધી રહ્યો છું જે મને ચૅલેન્જ આપી શકે. મારે મારી લિમિટ કરતાં આગળ વધવું છે. હું મારી જાતને પૂછું છું કે શું આ મારાથી થઈ શકશે? જો એ મને પડકાર આપે તો એ મને ઉત્સાહિત પણ કરવું જોઈએ. એવી તક શોધતો હોઉં છું જે મને ડરાવે અને ચૅલેન્જ પણ આપે. સાથે જ કૅરૅક્ટર પણ એવું હોવું જોઈએ જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકે. આ ચૅલેન્જ જ મને કામ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. એક પ્રોફેશનલ ઍક્ટર તરીકે હું એવા પ્રોજેક્ટ્સ અપનાવું છું જે સરળ હોય. એક આર્ટિસ્ટનો ત્યારે જ વિકાસ થાય જ્યારે તે ચૅલેન્જને સ્વીકારે છે. ઇમોશન્સની અંદર અનેક પ્રકારનાં ઇમોશન હોય છે. એને બારીકાઈથી રજૂ કરવાં એ એક ટાસ્ક અને કળા છે. કલાકાર એને જ શોધતો હોય છે.’

