બચ્ચન પાન્ડેમાં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીને ‘બચ્ચન પાન્ડે’માં લીડ રોલ મળ્યો છે. આ ફિલ્મમાં તાજેતરમાં જ અર્શદ વારસીની એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને ક્રિતી સૅનન પણ જોવા મળશે. અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી પહેલી વખત આ ફિલ્મમાં સાથે કામ કરતા દેખાશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મને પ્રોડ્યુસ કરશે. પંકજ ત્રિપાઠી અને સાજિદ નડિયાદવાલાની આ ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ બન્નેએ ‘સુપર 30’ અને ‘83’માં કામ કર્યું છે. જોકે ‘83’ હજી સુધી રિલીઝ નથી થઈ. પંકજ ત્રિપાઠી અને ક્રિતી સૅનને ‘લુકા છુપી’માં સ્ક્રીન સ્પેસ શૅર કરી હતી. ‘બચ્ચન પાન્ડે’ને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. ફિલ્મમાં અક્ષયકુમારને ગૅન્ગસ્ટર દેખાડવામાં આવશે, જેને ઍક્ટર બનવાની ઇચ્છા હોય છે. આ બધાની વચ્ચે દર્શકોને અચૂક મનોરંજન અને ભરપૂર કૉમેડી જોવા મળશે એમાં કોઈ શંકા નથી. આ ફિલ્મ 2021માં રિલીઝ કરવામાં આવશે.


