બંધારણમાં કોઈ એક ભાષાનું વર્ણન નથી: જાફરી
બંધારણમાં કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવામાં નથી આવ્યો : જાવેદ જાફરી
જાવેદ જાફરીએ જણાવ્યું છે કે આપણા બંધારણમાં કોઈ પણ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો નથી આપવામાં આવ્યો. હાલમાં દેશમાં હિન્દીને લઈને ખાસ્સો વિવાદ ચગ્યો છે. અજય દેવગન અને કન્નડ ઍક્ટર સુદીપ કિચ્ચા વચ્ચે સોશ્યલ મીડિયામાં વૉર છેડાઈ ગઈ હતી. હવે આ મુદ્દા પર પોતાના વિચાર માંડતાં જાવેદ જાફરીએ કહ્યું કે ‘મેં પણ એ વિશે વાંચ્યું છે. બંધારણમાં કોઈ એક ભાષાનું વર્ણન નથી. મેં પણ એ જ જોયું છે. હું ભારતની ઑફિશ્યલ ભાષા શોધી રહ્યો હતો અને બંધારણમાં રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો કોઈ ભાષાને નથી આપવામાં આવ્યો. હું અત્યાર સુધી એમ જ માનતો હતો કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, પરંતુ બંધારણ પર નજર નાખતાં જાણ થઈ કે કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનું સ્ટેટસ નથી આપવામાં આવ્યું. એમાં બાવીસ ઑફિશ્યલ ભાષા છે. એમાંથી આસામી, બંગાળી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઉર્દૂ અને સિંધી ઑફિશ્યલ ભાષા છે. મુદ્દો વિવિધતામાં એકતાનો છે. એ જ બાબત દેશની સુંદરતાને વ્યક્ત કરે છે. ઘણાબધા ધર્મો છે, પરંતુ નૅશનલ ધર્મ કોઈ નથી. એ જ રીતે નૅશનલ લૅન્ગ્વેજ પણ નથી. રાષ્ટ્રીય પંખી છે, રાષ્ટ્રીય ફૂલ છે. દેશનું ભવિષ્ય દરેક બાબતના અનુકરણ પર છે અને મને લાગે છે કે એ અન્ય કોઈ દેશ પાસે નથી.’

