મિથુન ચક્રવર્તીએ દાદા સાહેબ ફાળકે અવૉર્ડની જાહેરાત બાદ તેમના ચાહકોને કહ્યું કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માગતા હોય તો તેમનામાં કામ પ્રત્યે ઝનૂન અને લગન હોવાં જોઈએ
ગઈ કાલે ગુરુકુલ સ્કૂલ ઑફ આર્ટના આર્ટિસ્ટોએ મિથુન ચક્રવર્તીને અભિનંદન-સંદેશ આપતું ચિત્ર બનાવ્યું હતું.
મિથુન ચક્રવર્તીએ દાદા સાહેબ ફાળકે અવૉર્ડની જાહેરાત બાદ તેમના ચાહકોને કહ્યું કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માગતા હોય તો તેમનામાં કામ પ્રત્યે ઝનૂન અને લગન હોવાં જોઈએ. તેમણે આ અવૉર્ડ પરિવાર અને ફૅન્સને ડેડિકેટ કર્યો અને પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા.
મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે હું એક વખત મુંબઈની ફુટપાથ પર સૂઈ ગયો હતો. મને દરેક વસ્તુ માટે લડવું પડ્યું. આજે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે મને એના પર વિશ્વાસ નથી થઈ રહ્યો. શરૂઆતમાં મેં સી-ગ્રેડ ફિલ્મોમાં અને પછી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. મને જ્યારે પહેલો નૅશનલ અવૉર્ડ મળ્યો ત્યારે એક જર્નલિસ્ટે ઇન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો. મેં તેમને કહ્યું કે હું ભૂખ્યો છું, મારી પાસે ખાવાનું ખરીદવા માટે પૈસા નથી. તે એટલા દયાળુ હતા કે તેમણે મને ખાવા માટે કંઈક આપેલું. આજે મને ચાર વખત જમવાનું મળે છે. મેં મારા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે, પણ આર્ટને લઈને મારું ઝનૂન અને સ્ટ્રગલ જ મારાં હથિયાર રહ્યાં છે.’
મિથુન ચક્રવર્તીને તેમની ડેબ્યુ ફિલ્મ ‘મૃગયા’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.