‘મેં મારી બાઇસિકલ ફેંકતાં પૂછ્યું કે ‘મારો બ્રેકફાસ્ટ ક્યાં છે?’ મને કંઈ પણ જમવા માટે નહોતું આપ્યું. હું કાંઈ ઘરમાં નહોતો. મારે જમવા માટે પ્રોડક્શન પર જ આધાર રાખવો પડતો હતો.’
મિલિંદ સોમણ
મિલિંદ સોમણે ‘જો જીતા વહી સિકંદર’ને છોડવાનું કારણ જણાવ્યું છે. આ ફિલ્મનું ૭૫ ટકા શૂટિંગ તેની સાથે થયું હતું, પરંતુ સેટ પર સમયસર બ્રેકફાસ્ટ ન મળતાં તેણે ફિલ્મ છોડી દીધી હતી. ૧૯૯૨ની આ ફિલ્મમાં તેને શેખર મલ્હોત્રાનો રોલ આપવામાં આવ્યો હતો. બાદમાં આ રોલ દીપક તિજોરીને મળ્યો હતો. મન્સૂર ખાનની આ ફિલ્મમાં આમિર ખાન, આયેશા ઝુલ્કા, દીપક તિજોરી અને પૂજા બેદી પણ જોવા મળ્યાં હતાં. ફિલ્મ છોડવા વિશે મિલિંદ સોમણે કહ્યું કે ‘મેં મારી બાઇસિકલ ફેંકતાં પૂછ્યું કે ‘મારો બ્રેકફાસ્ટ ક્યાં છે?’ મને કંઈ પણ જમવા માટે નહોતું આપ્યું. હું કાંઈ ઘરમાં નહોતો. મારે જમવા માટે પ્રોડક્શન પર જ આધાર રાખવો પડતો હતો.’
આ ફિલ્મ બાદમાં ખૂબ સફળ થઈ હતી, પરંતુ ફિલ્મ છોડવાનો તેને કોઈ પસ્તાવો નથી. પોતાના કામથી ખુશી મળે એ તેના માટે અગત્યનું છે. એ વિશે મિલિંદ સોમણે કહ્યું કે ‘એ વખતે મારા માટે એ મહત્ત્વનું નહોતું. મારા માટે એ વસ્તુ અગત્યની હતી કે હું જે પણ કામ કરું એમાં હું ખુશ હોઉં. જો હું ખુશ ન હોઉં તો એનો કોઈ અર્થ નથી.’

