FDAના કમિશનર તુકારામ મુંઢેની કાર્યવાહીથી ખુશ થઈ મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત અને તુકારામ મુંઢે
મહારાષ્ટ્રમાં હાલ ફૂડ-સેફ્ટીને લઈને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે સૌથી વધુ ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે સમગ્ર રાજ્યમાં અનેક રેસ્ટોરાં પર દરોડા પાડીને નિયમોના ઉલ્લંઘન બદલ તેમનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં હતાં. તેમની આ કડક કાર્યવાહી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત તુકારામ મુંઢેએ પાનમસાલાની જાહેરાતોને લઈને અભિનેતા ટાઇગર શ્રોફ, અજય દેવગન અને શાહરુખ ખાન સહિત અનેક બૉલીવુડ કલાકારોને પણ નોટિસ પાઠવી હતી.
તુકારામ મુંઢેના કામથી પ્રભાવિત થયેલી મલ્લિકા શેરાવતે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને તેમનો ખાસ આભાર માન્યો છે. આ વિડિયોમાં મલ્લિકા કહે છે, ‘તુકારામજી, તમે તમારા કામથી એક અલગ ઓળખ બનાવી છે. તમારી મહેરબાનીથી હવે હું શાંતિથી ભોજન કરી શકું છું. તમારા કડક નિયમો અને તમારા આદર્શો આપણા બધાને સુરક્ષિત રાખી રહ્યા છે અને તમારી નજરમાંથી કંઈ બચી શકતું નથી. તમારો ખૂબ-ખૂબ આભાર.’
