બૉલીવુડ ઍક્ટ્રેસ કૅટરિના કૈફે હાલમાં કર્ણાટકના સાઉથ કન્નડા જિલ્લાના કુક્કેમાં આવેલા શ્રી સુબ્રહ્મણ્ય મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી જે 2 દિવસ ચાલી હતી. આ પૂજા સામાન્ય રીતે પૂર્વજો દ્વારા કોઈ સર્પ કે નાગદેવતાને મારવાના પ્રાયશ્ચિત્તરૂપે થાય છે.
શ્રી સુબ્રહ્મણ્ય મંદિરમાં કૅટરિના કૈફે
કૅટરિના કૈફે હાલમાં કર્ણાટકના સાઉથ કન્નડા જિલ્લાના કુક્કેમાં આવેલા શ્રી સુબ્રહ્મણ્ય મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. કૅટરિનાએ આ મંદિરમાં ‘સર્પ સંસ્કાર’ની પૂજાવિધિ કરી હતી જે મંગળવારે શરૂ થઈને બુધવાર સુધી ચાલી હતી. મંદિર પ્રશાસન તરફથી મળેલી માહિતી પ્રમાણે કૅટરિના પોતાના કેટલાક મિત્રો સાથે મંદિર ગઈ હતી અને તેણે સર્પ સંસ્કાર પૂજા કરાવી હતી. આ પૂજા સામાન્ય રીતે પૂર્વજો દ્વારા કોઈ સર્પ કે નાગદેવતાને મારવાના પ્રાયશ્ચિત્તરૂપે કરવામાં આવે છે.
આ વિશેષ પૂજા બે તબક્કામાં લગભગ ચારથી પાંચ કલાક સુધી બે દિવસ સુધી ચાલી હતી. કૅટરિના મંગળવાર-બુધવાર એમ બે દિવસ સુધી ચાર-પાંચ કલાક સુધી આ વિશેષ પૂજામાં હાજર રહી હતી. કૅટરિના મંદિરના VIP ગેસ્ટહાઉસમાં રોકાઈ હતી.
કૅટરિનાએ લાંબા સમયથી ફિલ્મોમાં બ્રેક લીધો છે. તે છેલ્લા ઘણા સમયથી પૂજા-પાઠ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે. તેણે પહેલાં શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કર્યાં હતાં અને એ પછી મહાકુંભની મુલાકાત લઈને સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. હવે કૅટરિનાએ કર્ણાટકના શ્રી કુક્કે સુબ્રહ્મણ્ય મંદિરની મુલાકાત લીધી છે.
કૅટરિના પૂજા કર્યા પછી અન્નદાનમમાં ભાગ લેવા હોટેલ જતી રહી હતી અને તેણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેણે મંદિરના પરિસરમાંથી બહાર નીકળતી વખતે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી લીધો હતો.

