સોનાલી સેટ પર ખૂબ જ શાંત રહેતી અને હું ખૂબ જ વાતો કરતી હતી. સોનાલી એક ખૂણામાં તેની બુક લઈને બેસી રહેતી હતી.
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરનું કહેવું છે કે સોનાલી બેન્દ્રે બહલ પહેલાં ફિલ્મના સેટ પર એક કૉર્નરમાં સાઇડ પર બેસી રહેતી હતી. કરિશ્મા અને સોનાલીએ ‘હમ સાથ સાથ હૈં’માં સાથે કામ કર્યું હતું. તેઓ બન્ને હાલમાં ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ને જજ કરી રહ્યાં છે. આ શોમાં અનિકેત ચૌહાણ અને કાર્તિક રાજાના પર્ફોર્મન્સ બાદ કરિશ્માએ કહ્યું કે ‘અમે ‘હમ સાથ સાથ હૈં’ દિવસને ખૂબ જ પસંદ કરીએ છીએ. આ ફિલ્મ સાથે ઘણી સારી-સારી યાદો જોડાયેલી છે. સોનાલી સેટ પર ખૂબ જ શાંત રહેતી અને હું ખૂબ જ વાતો કરતી હતી. સોનાલી એક ખૂણામાં તેની બુક લઈને બેસી રહેતી હતી. તબુ અને હું વિચારતાં કે તે શું વાંચી રહી છે? તે કેમ આપણી સાથે વાત નથી કરી રહી? એવું તો બુકમાં શું છે? હું અને તબુ ફિલ્મનાં દૃશ્ય અને ગીતો વિશે વાત કરતાં ત્યારે સોનાલી તેની બુકમાં ખોવાયેલી રહેતી હતી. અમે તેની પાસે જઈને તેને કહેતાં કે અમારી સાથે લંચ કર. ત્યારે તે કહેતી કે તે વેજિટેરિયન છે અને ફક્ત સૅલડ ખાય છે. ત્યારે અમે તેને કહેતાં કે કંઈ નહીં, સૅલડ લઈને આવી જા.’ આ વિશે સોનાલીએ કહ્યું કે ‘મારા માટે ‘હમ સાથ સાથ હૈં’ની જર્ની ખૂબ જ અદ્ભુત રહી હતી. અમે સેટ પર ઘણા બધા લોકો હતા અને એક ફૅમિલીની જેમ રહેતા હતા. મારા માટે સૌથી સારી કોઈ યાદ હોય તો એ છે સાથે બેસીને ભોજન કરવાની. કરિશ્મા ખૂબ જ નૉટી હતી. ‘એબીસીડી આઇ લવ યુ’ ગીતના દરેક દૃશ્ય માટે કરિશ્મા નહોતી અને અમે તેને ખૂબ જ મિસ કરતાં હતાં. એ ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા આવી હતી.’

