‘ઓપનહાઇમર’ માટે રૉબર્ટ ડાઉની જુનિયરના સ્ટેટમેન્ટને જિનીયસ કહ્યું કરીનાએ
કરીના કપૂર ખાન , રૉબર્ટ ડાઉની જુનિયર
કરીના કપૂર ખાનને રૉબર્ટ ડાઉની જુનિયરની સ્પીચ ખૂબ જ પસંદ પડી છે. રવિવાર દસ માર્ચે આયોજિત ૯૬મા ઑસ્કર અવૉર્ડ્સમાં ‘ઓપનહાઇમર’ છવાયેલી રહી હતી. આ ફિલ્મને કુલ સાત અવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મ પરમાણુ બૉમ્બ બનાવનાર પર આધારિત હતી. ફિલ્મને ક્રિસ્ટોફર નોલને ડિરેક્ટ કરી હતી. તેમને પહેલી વખત ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. તેમ જ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અવૉર્ડ પણ રૉબર્ટ ડાઉની જુનિયરને પહેલી વાર મળ્યો છે. આ સ્પીચમાં રૉબર્ટ ડાઉની જુનિયરે કહ્યું હતું કે ‘હું આ માટે મારા ચાઇલ્ડહુડ અને ઍકૅડેમીનો આભાર માનું છું. હું આ માટે મારી વેટરનરિયન એટલે કે મારી પત્ની સુસાન ડાઉનીનો આભાર માનું છું. તેણે એક ઘૂરતા પેટને પ્રેમ કરીને ફરી જીવન આપ્યું છે. તેના કારણે હું આજે અહીં છું. હું એક સીક્રેટ કહું છું. આ જૉબને મારી જરૂર હોય એના કરતાં વધુ મને આ જૉબની જરૂર હતી. ક્રિસ્ટોફર નોલનને એ ખબર હતી. એમ્મા થોમસે એ વાતની ખાતરી રાખી હતી કે મારી આસપાસ ખૂબ જ અદ્ભુત કાસ્ટ ઍન્ડ ક્રૂ હોય. એમિલી બ્લન્ટ, કિલિયન મર્ફી, મૅટ ડેમન સાથે કામ કરવાનું ખૂબ જ અદ્ભુત રહ્યું છે. હું આજે તમારી સામે ઊભો છું એનું કારણ પણ તમે લોકો છો. તમને બધાને ખબર છે કે આપણે જે કર્યું એ મહત્ત્વનું હતું અને આપણે જે ફિલ્મ બનાવી એ પણ મહત્ત્વની હતી.’
રૉબર્ટ ડાઉની જુનિયરની આ સ્પીચ કરીનાને ખૂબ જ પસંદ પડી હોવાથી તેણે આ સ્પીચને તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરી હતી. આ સ્ટોરીને શૅર કરીને તેણે ઘણા બધા સ્માઇલીની સાથે જિનીયસ લખ્યું હતું.


