બૉલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. મનોજકુમારના નિધનના શોકમાંથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હજી બહાર નથી આવી ત્યાં જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મી કિમ ફર્નાન્ડિસનું રવિવારે સવારે અવસાન થયું હતું. ઘણા દિવસોથી તેઓ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ હતાં.
કિમ ફર્નાન્ડિસની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
બૉલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. મનોજકુમારના નિધનના શોકમાંથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હજી બહાર નથી આવી ત્યાં જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મી કિમ ફર્નાન્ડિસનું રવિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેઓ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ હતાં. ૨૪ માર્ચે જૅકલિનનાં મમ્મી કિમને હાર્ટ-અટૅક આવ્યો હતો અને ત્યાર બાદ તેમને તાત્કાલિક મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. તેમની ઘણા દિવસથી ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં પણ સારવાર ચાલી રહી હતી, પણ આખરે તેમનું ૬ એપ્રિલે નિધન થયું છે.
જૅકલિનનાં મમ્મી કિમ ઍર-હૉસ્ટેસ હતાં અને તેઓ મલેશિયન નાગરિક હતાં. તેમનાં લગ્ન શ્રીલંકાના બિઝનેસમૅન એલરૉય ફર્નાન્ડિસ સાથે થયાં છે. કિમ અને એલરૉયને જૅકલિન સહિત ચાર બાળકો છે.
કિમ ફર્નાન્ડિસને ૨૦૨૨માં પણ હાર્ટ-અટૅક આવ્યો હતો. એ સમયે તેમની સારવાર બાહરિનમાં થઈ હતી. જોકે જૅકલિન કામને કારણે ભારતમાં રહેતી હોવાથી તેઓ ભારત આવી ગયાં હતાં. એક અઠવાડિયા પહેલાં સલમાન ખાન પણ જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મીને મળવા લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યો હતો.
કિમ ફર્નાન્ડિસના અંતિમ સંસ્કારમાં મિત્રો અને પરિવાજનોએ હાજરી આપી હતી. આ અંતિમ સંસ્કારનો વિડિયો વાઇરલ થયો છે જેમાં જૅકલિન, જૅકલિનના પિતા અને પરિવારજનોની સાથે-સાથે ઍક્ટર સોનુ સૂદ પણ જોવા મળ્યો હતો. સોનુ અને જૅકલિને ‘ફતેહ’ નામની ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને આ મિત્રતાના સંબંધને કારણે જ સોનુ મિત્ર જૅકલિનના દુ:ખને શૅર કરવા માટે અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો.


