મહામારી વચ્ચે લાહોર કૉન્ફિડેન્શ્યલનું શૂટિંગ કરવું અઘરું હતું
કુણાલ કોહલી
ફિલ્મમેકર કુણાલ કોહલીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે ‘લાહોર કૉન્ફિડેન્શ્યલ’નું શૂટિંગ કરવું કપરું હતું. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા, અરુણોદય સિંહ અને કરિશ્મા તન્ના જોવા મળશે. ૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મ ZEE 5 પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં બે જાસૂસોની લવ સ્ટોરી દેખાડવામાં આવશે. શૂટિંગના અનુભવ વિશે કુણાલ કોહલીએ કહ્યું હતું કે ‘અમારા માટે આ સરળ નહોતું. એ ખૂબ જ અઘરું હતું, કારણ કે તમારે સેટ પર આવતા તમામ લોકોની સો ટકા સલામતીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એ જ અમે કામ કર્યું છે. આ જ કારણસર 20 દિવસોની અંદર અમને કોઈ કોરોનાના કેસ નથી મળ્યા. એવા અનેક કામગારો અને કલાકારો છે જેમનું જીવનધોરણ રોજના શૂટિંગ પર આધારિત હોય છે. હું ખુશ છું કે શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેમને ફરીથી કામ કરવાની તક મળી છે.’


