કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર જાહેરાત કરતા, પેનોરમા સ્ટુડિયો અને એન્થોલોજી સ્ટુડિયોએ જાહેરાત કરી કે તેમણે કોરિયનમાં ફિલ્મ `દ્રશ્યમ` ફ્રેન્ચાઈઝીની રિમેક કરવા માટે ભાગીદારી કરી છે
ફાઇલ તસવીર
સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ મોહનલાલ (Mohanlal)ની ફિલ્મ `દ્રશ્યમ` (Drishyam) એ હિન્દીમાં પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની સત્તાવાર હિન્દી રિમેકમાં અજય દેવગણે (Ajay Devgn) મુખ્ય ભૂમિકા ભજવી હતી. પેનોરમા સ્ટુડિયોની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મનો ક્રેઝ એવો છે કે લોકો તેના સંવાદો પણ યાદ રાખે છે. દુનિયાભરના ભારતીય સિનેમા પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં `દ્રશ્યમ`ની સત્તાવાર કોરિયન (Drishyam Korean Remake) ભાષાની રિમેક પર મહોર મારી દેવામાં આવી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર જાહેરાત કરતા, પેનોરમા સ્ટુડિયો અને એન્થોલોજી સ્ટુડિયોએ જાહેરાત કરી કે તેમણે કોરિયનમાં ફિલ્મ `દ્રશ્યમ` ફ્રેન્ચાઈઝીની રિમેક કરવા માટે ભાગીદારી કરી છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય અને કોરિયન સ્ટુડિયો વચ્ચે સહયોગ થયો છે. એટલું જ નહીં, ફિલ્મ `દ્રશ્યમ` કોરિયન ભાષામાં સત્તાવાર રીતે બનેલી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. `દ્રશ્યમ` મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં મોહનલાલ જ્યોર્જકુટ્ટીના રોલમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
મોહનલાલની `દ્રશ્યમ`
મલયાલમ ભાષામાં `દ્રશ્યમ` પહેલીવાર 2013માં રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ જીતુ જોસેફે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં એક મર્ડર પછી એવું સસ્પેન્સ બતાવવામાં આવ્યું છે, જેને કોઈ પકડી શકતું નથી. ફિલ્મની ઑફિશિયલ હિન્દી રિમેકે પણ કમાણીના મામલે ઘણા રેકૉર્ડ તોડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં હિન્દી ભાષામાં `દ્રશ્યમ 2` રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઑફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે શ્રિયા સરન, ઈશિતા દત્તા અને તબુ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. અક્ષય ખન્ના `દ્રશ્યમ 2`માં પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો.