ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને દેવ આનંદની યાદગાર ફિલ્મોના ફેસ્ટિવલની જાહેરાત કરી છે.
દેવ આનંદ ફિલ્મ ફેસ્ટિવલ
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને દેવ આનંદની યાદગાર ફિલ્મોના ફેસ્ટિવલની જાહેરાત કરી છે. ૩૦ શહેરોમાં તેમની મનોરંજક ફિલ્મો જોવાનો લહાવો લોકોને મળશે. એ ફેસ્ટિવલનું નામ ‘દેવ આનંદ @100 - ફોરેવર યંગ’ આપવામાં આવ્યુ છે. ૧૯૨૩ની ૨૬ સપ્ટેમ્બરે દેવ આનંદનો જન્મ થયો હતો અને આ વર્ષે તેમની ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી થવાની છે. આ જ કારણ છે કે ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે ૩૦ શહેરોમાં લોકો તેમની ફિલ્મોને જોઈ શકશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને અગાઉ અમિતાભ બચ્ચન અને દિલીપકુમારની ફિલ્મોનો ફેસ્ટિવલ પણ યોજ્યો હતો. દેવ આનંદની ‘C.I.D.’, ‘જ્વેલ થીફ’, ‘ગાઇડ’ અને ‘જૉની મેરા નામ’ જેવી ફિલ્મો લોકોને જોવા મળશે. આ ફેસ્ટિવલ મુંબઈ, પુણે, ગોવા, અમદાવાદ, વડોદરા, સુરત, હૈદરાબાદ, ત્રિવેન્દરમ, બૅન્ગલોર, ચેન્નઈ, લખનઉ, કલકત્તા, ગુવાહાટી, જયપુર, નાગપુર, ચંડીગઢ, નવી દિલ્હી, ગ્વાલિયર, રાયપુર, નોએડા, કોચી, મોહાલી અને ઔરંગાબાદ જેવાં અનેક શહેરોનાં થિયેટરમાં આ ફિલ્મો જોઈ શકાશે. નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને નૅશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયાએ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે મળીને આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.