મારા મૃત પિતાના આત્મા સાથે વાત કરી હતી શામકે
શામક દાવર અને રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્માએ કેટલીક હૉરર ફિલ્મો ‘ભૂત’, ‘રાત’, ‘ડરના ઝરૂરી હૈ’ અને ‘ફૂંક’ બનાવી હતી. જોકે કોરિયોગ્રાફર શામક દાવર સાથે ભૂતકાળમાં થયેલી મુલાકાત તેણે યાદ કરી છે. એ અનુભવ તેને માટે ડરામણો હતો, કેમ કે રામ ગોપાલ વર્માના મૃત પિતાના આત્માને શામકે ફ્લાઇટમાં જોયો હતો. એ ઘટનાને યાદ કરતાં રામ ગોપાલ વર્મા કહે છે, ‘અમારી ફ્લાઇટ ઊપડી અને દિવસના અજવાળામાં શામકે મને અચાનક પૂછ્યું તમારા પિતાનું નિધન થયું છે? આ એક સામાન્ય વાત હતી અને એ સાચી પણ હતી. ૧૫ દિવસ પહેલાં જ તેમનું નિધન થયું હતું એટલે મેં હા પાડી. પછી તેણે જણાવ્યું કે ‘તેઓ હમણાં વિન્ડો સીટ પાસે હતા.’ તેણે મારી તરફ જોયું અને કહ્યું કે ‘તેઓ આપણી સાથે જ છે.’ એ સાંભળીને હું ચોંકી ગયો હતો. આવી વાતો કોઈ વિચિત્ર વ્યક્તિ કહે તો સમજમાં આવે, પરંતુ કોરિયોગ્રાફર પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી.’