ઇંગ્લૅન્ડમાં થશે એનો પ્રીમિયર, મૅન્ચેસ્ટર અૉપેરા હાઉસમાં ભજવાશે ૨૯મેથી ૨૧ જૂન સુધી : ગુજરાતી જેના પંડ્યા ભજવશે સિમરનનો રોલ
બ્રિટનની રેલવે સિસ્ટમ અને યશરાજ ફિલ્મ્સની આ સંયુક્ત ઉજવણી અંતર્ગત ફિલ્મનો ખાસ સ્ટેજ-શો ‘કમ ફૉલ ઇન લવ-ધ ડીડીએલજે મ્યુઝિકલ’ તૈયાર કરવામાં આવ્યો છે
શાહરુખ ખાન અને કાજોલ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની રિલીઝને આ વર્ષે ૩૦ વર્ષ પૂરાં થશે. આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી અને આજે પણ એ દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ ફિલ્મને ૩૦ વર્ષ થશે એ પ્રસંગની ઉજવણી કરવા માટે યશરાજ ફિલ્મ્સ (YRF) અને બ્રિટનની રેલવે સિસ્ટમે હાથ મેળવ્યા છે અને સંયુક્ત ઉજવણી કરવાનું પ્લાનિંગ કર્યું છે, કારણ કે આ ફિલ્મમાં ટ્રેનમાં રોમૅન્સને દર્શાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ વર્ષે બ્રિટનની રેલવે સિસ્ટમની પણ ૨૦૦મી ઍનિવર્સરી છે.
બ્રિટનની રેલવે સિસ્ટમ અને યશરાજ ફિલ્મ્સની આ સંયુક્ત ઉજવણી અંતર્ગત ફિલ્મનો ખાસ સ્ટેજ-શો ‘કમ ફૉલ ઇન લવ-ધ ડીડીએલજે મ્યુઝિકલ’ તૈયાર કરવામાં આવ્યો છે જેનું ડિરેક્શન આદિત્ય ચોપડાએ પોતે કર્યું છે. આ શોનો પ્રીમિયર ૨૯ મેના દિવસે મૅન્ચેસ્ટર ઑપેરા હાઉસ ખાતે યોજાશે અને એ ૨૧ જૂન ૨૦૨૫ સુધી દર્શાવવામાં આવશે. આ શોમાં સિમરનની ભૂમિકામાં જેના પંડ્યા અને રૉજરના રોલમાં ઍશ્લી ડે છે.
ADVERTISEMENT
‘કમ ફૉલ ઇન લવ-ધ ડીડીએલજે મ્યુઝિકલ’માં ઓરિજિનલ ગીતોની સાથે-સાથે અંગ્રેજી ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનું સંગીત તૈયાર કરવામાં વિશાલ દાદલાણી અને શેખર રવજિયાણીનો મહત્ત્વનો ફાળો છે. જોકે તેમની સાથે પશ્ચિમના અનેક ટૅલન્ટેડ ગીતકાર, કોરિયોગ્રાફર, ડાન્સર, ડિઝાઇનર અને કાસ્ટિંગ ડિરેક્ટરે કામ કરીને ‘કમ ફૉલ ઇન લવ-ધ ડીડીએલજે મ્યુઝિકલ’ને અંતિમ ઓપ આપ્યો છે.

