પૈસા માટે કોઈ પણ ઇવેન્ટમાં જવા તત્પર ચંકી પાંડે એક વાર કોઈના અંતિમ સંસ્કારમાં પહોંચી ગયો હતો
ચંકી પાંડે
ચંકી પાંડેએ એક ચોંકાવનારી વાત કહી છે. ફિલ્મી કલાકારોને જાતજાતની ઇવેન્ટ અટેન્ડ કરવાના, રિબન કાપવાના પૈસા મળતા હોય છે એ તો જાણીતી વાત છે, પણ ચંકીને એક વાર એક અંતિમ સસ્કારમાં હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યો હતો.
આ ત્યારની વાત છે જ્યારે ચંકીએ હજી ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી. ચંકીએ કહ્યું હતું કે એ વખતે ઇવેન્ટ્સ દ્વારા મળતા એક્સ્ટ્રા પૈસા ખૂબ કામ આવતા હતા. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં આ વાત કરતાં ચંકીએ કહ્યું હતું કે જે પણ ઇવેન્ટ મળતી એમાં હું જવા તત્પર રહેતો અને એ રીતે જ અજાણતાં એક અંતિમયાત્રામાં જઈ પહોંચ્યો હતો. આ ઇવેન્ટમાં જવાના તેને પૈસા મળ્યા હતા એટલું જ નહીં, તેને ત્યાં બોલાવનાર એજન્ટે ત્યાં સુધી કહેલું કે તું રડીશ તો તને વધુ પૈસા મળશે.
ADVERTISEMENT
ચંકી પાંડે કેવી રીતે પહોંચ્યો મરણ પ્રસંગમાં? આ આખો કિસ્સો ચંકી પાંડેના શબ્દોમાં વાંચવા જેવો છે
જ્યારે હું ઍક્ટર તરીકે નવોસવો હતો ત્યારે એક્સ્ટ્રા ઇન્કમનો એક જ રસ્તો હતો ઇવેન્ટ્સ. હું હંમેશાં એક બૅગ તૈયાર રાખતો અને જ્યારે પણ ઇવેન્ટમાં જવાનો કૉલ આવતો ત્યારે બૅગ લઈને દોડતો - પછી એ ઇવેન્ટ લગ્નની હોય, બર્થ-ડેની હોય કે મુંડનની હોય. એક સવારે મને એક ઑર્ગેનાઇઝરનો ફોન આવ્યો. તેણે મને પૂછ્યું કે શું કરે છે? મેં કહ્યું શૂટિંગ માટે નીકળી રહ્યો છું. તો તેણે પૂછ્યું કે શૂટિંગ ક્યાં છે. મેં કહ્યું ફિલ્મસિટીમાં છે. તો તે બોલ્યો કે ભાઈ, રાસ્તે મેં એક છોટાસા ઇવેન્ટ હૈ, દસ મિનટ કે લિએ આના હૈ, પૈસે અચ્છે હૈં. મેં કીધું પાકું. એ પછી મને કહ્યું કે તું આવતો હોય તો સફેદ કપડાં પહેરીને આવજે. મેં લાંબુ વિચાર્યું નહીં અને સફેદ કપડાં પહેરીને પહોંચી ગયો જ્યાં બોલાવેલો ત્યાં. ત્યાં જઈને મેં જોયું કે ઘણા લોકો બહાર સફેદ કપડાંમાં ઊભા હતા. હું ધીમે-ધીમે ચાલતો આગળ વધ્યો, લોકો મને તાકી રહ્યા હતા. તેઓ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા કે ચંકી પાંડે આવ્યો છે અને મને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે. પછી મેં ડેડ-બૉડી જોઈ ત્યારે મને ભાન થયું કે હું કોઈના ફ્યુનરલમાં પહોંચી ગયો છું. હું એટલો ડોબો હતો કે મેં વિચાર્યું કે હું આવું ત્યાં સુધીમાં મને બોલાવનારો ઑર્ગેનાઇઝર ગુજરી ગયો હશે. જોકે પછી મને એ ઑર્ગેનાઇઝર એક ખૂણામાં દેખાઈ ગયો એટલે મેં તેને બોલાવ્યો. તે બોલ્યો, ‘સર, ચિંતા નહીં કરો... તમારું પૅકેટ (પૈસાનું) મારી પાસે છે, પણ ફૅમિલીએ કહ્યું છે કે તમે રડશો તો તેઓ તમને વધુ પૈસા આપવા તૈયાર છે.’