મેં કોઈ અપમાનજનક શબ્દો તો નથી કહ્યા
અનુ કપૂર
અનુ કપૂરે તાજેતરમાં જ કંગના રનૌતને ઓળખવાની ચોખ્ખી ના પાડી હતી. એને લઈને કંગનાએ સોશ્યલ મીડિયામાં લોકોને સવાલ પૂછ્યો કે તમે અનુ કપૂરની એ વાતથી સહમત છો કે તે સફળ મહિલાઓને નફરત કરે છે? તેની આવી પોસ્ટથી છેવટે અનુ કપૂરે તેની માફી માગી લીધી છે. એને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અનુ કપૂરે લખ્યું કે ‘પ્રિય બહેન કંગના, મીડિયાએ જે સવાલ કર્યા એનો જવાબ સાંભળીને અર્થનો અનર્થ કર્યો છે તો વિચાર્યું કે અમુક બાબતો પર પ્રકાશ પાડું.
૧. મારા માટે દરેક મહિલા આદરણીય છે અને એથી હું કદી પણ કોઈ સ્ત્રીનું અપમાન નથી કરતો.
૨. હું ફિલ્મો, ટીવી, OTT, ન્યુઝ ચૅનલ નથી જોતો અથવા તો ન્યુઝપેપર પણ નથી વાંચતો. એથી તમે મને મૂર્ખ કહી શકો છો અને મૂર્ખ હોવું અપરાધ નથી.
૩. એથી આદરણીય બહેન, હું તમને નથી ઓળખતો એ વાતને અનાદરની શ્રેણીમાં ન લાવો.
૪. મીડિયા જ્યારે સવાલ કરે છે તો તેમને કરન્ટ અફેર્સ માટે મસાલા જોઈતા હોય છે, જે તેમને મારા બિન્દાસ જવાબથી મળી ગયો.
૫. હું એકદમ સાધારણ વ્યક્તિ છું. મારામાં કોઈ વિશેષતા નથી. મેં કોઈ અપમાનજનક શબ્દો ન તો વિચાર્યા છે અને ન તો કહ્યા છે. હું જે કાંઈ કહું છું એના માટે હું જવાબદાર છું, પરંતુ એમાંથી તમે શું સમજો છો એના માટે નહીં.
૬. આમ છતાં જો મારી કોઈ વાતથી તમે નારાજ થયાં હો તો મહેરબાની કરીને મને માફ કરી દો.
તમારા ધ્યેય માટે સફળતા મેળવો એવી કામના કરું છું.’


