કોરોનાકાળમાં ઓશિવરામાં ખરીદેલો ડુપ્લેક્સ અમિતાભ બચ્ચને ૧૬૭ ટકા નફો કરીને વેચ્યો
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ૨૦૨૧માં કોરાનાના સમયે ઓશિવરામાં ક્રિસ્ટલ ગ્રુપના ઍટલાન્ટિસ બિલ્ડિંગમાં ૩૧ કરોડ રૂપિયામાં જે ડુપ્લેક્સ ખરીદ્યો હતો એ ૧૬૭ ટકા નફો કરીને ૮૩ કરોડ રૂપિયામાં વેચ્યો છે.
રિયલ એસ્ટેટની જાણીતી કંપની સ્ક્વેર યાર્ડે આ બાબતે માહિતી આપતાં કહ્યું છે કે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર મુકાયેલી માહિતી મુજબ આ ડુપ્લેક્સનું જાન્યુઆરી ૨૦૨૫માં ૮૩ કરોડ રૂપિયામાં વેચાણ થયું છે અને એના પર ૪.૯૮ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી છે. માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં બિગ બીએ જબરદસ્ત નફો કર્યો છે.
અમિતાભ બચ્ચને ૨૦૨૧માં ખરીદેલો આ ડુપ્લેક્સનો ૫૭૦૪ સ્ક્વેર ફીટ બિલ્ટ-અપ એરિયા છે અને એની સાથે ૪૮૦૦ સ્ક્વેર ફીટની ટૅરેસ છે. અમિતાભ બચ્ચને આ ડુપ્લેક્સ નવેમ્બર ૨૦૨૧માં અભિનેત્રી ક્રિતી સૅનનને બે વર્ષ માટે લીઝ પર આપ્યો હતો. જેના માટે તેમણે મહિને ૧૦ લાખ રૂપિયા ભાડું લીધું હતું. એટલું જ નહીં, ક્રિતી પાસેથી ૬૦ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટના પણ લેવામાં આવ્યા હતા.