મહાકાલ ચલોમાં શિવલિંગને ગળે વળગાડવાના વિવાદના મુદ્દે અક્ષય કુમારે આખરે કરી સ્પષ્ટતા
અક્ષય કુમાર
અક્ષય કુમારનું તાજેતરમાં રિલીઝ થયેલું ભક્તિગીત ‘મહાકાલ ચલો’ રિલીઝની સાથે જ વિવાદમાં ઘેરાઈ ગયું હતું. ઉજ્જૈનના પૂજારી સંઘે આ ગીતનાં કેટલાંક દૃશ્યોને ગેરરીતિભર્યાં દર્શાવ્યાં હોવાનું જણાવ્યું હતું. આ સંઘના અધ્યક્ષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ગીત તો સારું છે, પરંતુ કેટલાંક દૃશ્યો અયોગ્ય છે. આ વિડિયોમાં અક્ષય કુમાર શિવલિંગને ગળે વળગાડતો દેખાય છે જે સ્વીકાર્ય નથી. એ ઉપરાંત જે રીતે ભસ્મ ચડાવવામાં આવી રહી છે એ પરંપરાનો ભંગ છે.’
અક્ષયે આ વિવાદ પર પોતાની આગામી ફિલ્મ ‘કન્નપ્પા’ માટે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રતિક્રિયા આપતાં ‘મહાકાલ ચલો’ ગીતમાં શિવલિંગને ગળે વળગાડવાના વિવાદ પર પોતાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘બાળપણથી મારાં માતા-પિતાએ મને શીખવ્યું છે કે ભગવાન આપણાં માતા-પિતા છે. તમે તમારાં માતા-પિતાને ગળે લગાડો એમાં ખોટું શું છે? બિલકુલ ખોટું નથી. મારી શક્તિ ત્યાંથી આવે છે. જો મારી ભક્તિને કોઈ ખોટી સમજે તો એમાં મારો કોઈ વાંક નથી. વાત બસ આટલી જ છે.’

