રામ મંદિરના નિર્માણ માટે ડોનેશન આપ્યું અક્ષય કુમારે
અક્ષય કુમાર
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થતાં અક્ષયકુમારે ડોનેટ કર્યા બાદ લોકોને પણ વિનંતી કરી છે કે તેઓ પણ આ નેક કામમાં યોગદાન આપે. 14 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પહેલની શરૂઆત કરતાં ટ્રસ્ટમાં પાંચ લાખની ધનરાશિ આપી છે. અક્ષયકુમારે કોરોના વાઇરસને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન જરૂરતમંદોને મદદ કરવા માટે પીએમ કેર્સ ફન્ડમાં પચીસ કરોડ રૂપિયા દાન કર્યા હતા. તો હવે અક્ષયકુમારે આ નેક પહેલમાં યોગદાન આપ્યું છે. એક વિડિયો અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં અક્ષયકુમાર કહી રહ્યો છે કે ‘ગઈ કાલે રાતે હું મારી દીકરીને એક સ્ટોરી સંભળાવી રહ્યો હતો. તમે સાંભળશો... તો સ્ટોરી એવી છે કે એક તરફ વાનરોની સેના હતી અને બીજી તરફ હતી લંકા અને બન્ને વચ્ચે મહાસમંદર હતો. હવે વાનર સેના મોટા-મોટા પથ્થરોને સમુદ્રમાં નાખી રહ્યા હતા. તેમને રામસેતુનું નિર્માણ કરીને સીતા મૈયાને પાછા લાવવા હતા. પ્રભુ શ્રી રામ કિનારા પર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. એ વખતે એક ખિસકોલી વારંવાર પાણીમાં જતી અને ભાગતી અને રેતીમાં આળોટીને પાછી પથ્થરો પર જતી હતી. ભગવાન રામજીને એ વાતનું આશ્ચર્ય તે શું કરી રહી છે? તેઓ ખિસકોલીની નજીક ગયા અને પૂછ્યું કે તું શું કરી રહી છે? ખિસકોલીએ જવાબ આપ્યો કે હું મારા શરીરને ભીનું કરું છું, એના પર રેતી લગાવું છું અને પથ્થરોની વચ્ચે જે તિરાડો છે એને ભરું છું. રામ સેતુના નિર્માણમાં હું પણ નાનકડું યોગદાન આપવા માગું છું. હવે આપણો વારો છે. અયોધ્યામાં આપણાં શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. આપણામાંથી કેટલાક વાનર બન્યા, કેટલાક ખિસકોલી બન્યા અને સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપીને ઐતિહાસિક ભવ્ય રામ મંદિર બનાવવામાં ભાગીદાર બનીએ. હું પોતે પણ શરૂઆત કરું છું, મને વિશ્વાસ છે કે તમે પણ મારી સાથે જોડાઈ જશો. જેથી આવનારી પેઢીઓ પણ આ ભવ્ય મંદિરથી મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને સંદેશ પર ચાલવાની પ્રેરણા મળે છે. જય શ્રી રામ.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘જય સિયારામ. ખૂબ ખુશીની વાત છે કે અયોધ્યામાં અમારા શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે... હવે યોગદાન આપવાનો વારો આપણો છે. મેં પોતે પણ શરૂઆત કરી દીધી છે. આશા છે કે તમે પણ સાથે આવશો.’

