અક્ષયકુમાર અને ક્રિતી સૅનન જાન્યુઆરીમાં બચ્ચન પાન્ડેનું શૂટિંગ શરૂ કરશે
ક્રિતી સૅનન, અક્ષયકુમાર
અક્ષયકુમાર અને ક્રિતી સૅનન જાન્યુઆરીમાં ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ શરૂ કરશે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ઍક્શન ફિલ્મ માટે બહુ જલદી બીજી હિરોઇનને પણ પસંદ કરવામાં આવશે. અક્ષયકુમારે હાલમાં જ ‘બેલ બૉટમ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે હાલમાં માનુષી છિલ્લર સાથે ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યાર બાદ તે ધનુષ અને સારા અલી ખાનની ‘અતરંગી રે’નું શૂટિંગ પૂરું કરશે. આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં તે ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ તેના બાળપણના મિત્ર અને પ્રોડ્યુસર સાથે તેની દસમી ફિલ્મ છે. આ માટે અક્ષય અને ક્રિતીની સાથે ફિલ્મનો ડિરેક્ટર ફરહાદ સામજી પણ જેસલમેર જશે. તેઓ આ ફિલ્મનું શૂટિંગ રિયલ લોકેશન પર કરશે અને એ બે મહિના માટેનું શેડ્યુલ હશે. તેમણે ગયા મહિને સરકાર પાસે દરેક પ્રકારની પરવાનગી લઈ લીધી છે અને સુરક્ષાનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ માટે તેઓ સૂર્યગઢ હોટેલમાં રહેશે અને એ જ હોટેલમાં કેટલાક ઇન્ડોર શૂટ પણ કરવામાં આવશે. આ માટે સાજિદ ખાન મુંબઈથી ડૉક્ટરની એક ટીમ પણ મોકલશે જેથી સેટ પર દરેકની સેફ્ટીનું ધ્યાન રાખી શકાય. આ માટે ડિસેમ્બરના અંતમાં દરેક વ્યક્તિની કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમ જ જેસલમેર પહોંચ્યા બાદ ટીમને ત્રણ દિવસ સુધી ક્વૉરન્ટીન કરવામાં આવશે. આ માટે વધુ એક હિરોઇનને પસંદ કરવામાં આવશે જે માટે સાજિદ નડિયાદવાલા પાસે ત્રણ-ચાર નામ છે. તેમ જ ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં અન્ય ઍક્ટર્સની પણ પસંદગી કરવામાં આવશે.

