૧૮ મહિનાથી નવી પ્રેમિકાના પ્રેમમાં, પણ તેમની ઓળખાણ પચીસ વર્ષ જૂની : બન્ને વચ્ચેનો ૧૪ વર્ષનો તફાવત ફૅન્સમાં ચર્ચાનો વિષય : આમિર ખાનનો બર્થ-ડે બ્લાસ્ટ : સ્વીકાર્યું કે બૅન્ગલોરની ગૌરી સ્પ્રૅટ છે તેની લેટેસ્ટ લિવ-ઇન પાર્ટનર
ગુરુવારે બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં મીડિયા સાથે બર્થ-ડે ઊજવતો આમિર ખાન. તસવીરો : સતેજ શિંદે
બૉલીવુડના સુપરસ્ટાર આમિર ખાને ગુરુવારે તેની ૬૦મી વર્ષગાંઠના સેલિબ્રેશન વખતે બૅન્ગલોરની ગૌરી સ્પ્રૅટ સાથેના સંબંધની પુષ્ટિ કરી હતી. આમિરે પોતાના જન્મદિવસની પૂર્વસંધ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ અને સાથીદાર ગૌરીને મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેણે ફોટોગ્રાફરોને વિનંતી કરી હતી કે તેઓ ગૌરીના ફોટો ક્લિક ન કરે જેથી તેની પ્રાઇવસી જળવાઈ રહે.
આ મુલાકાત વખતે આમિરે જણાવ્યું હતું કે તે ગૌરીને ૧૮ મહિનાથી ડેટ કરે છે, પણ પચીસ વર્ષથી તેને ઓળખે છે. આમિરે સ્વીકાર્યું છે કે હું અને ગૌરી લિવ-ઇન રિલેશનશિપમાં છીએ, ગૌરી અને મારો પરિવાર એકમેકને મળ્યો છે અને તેનો પરિવાર પણ અમારા સંબંધથી ખુશ છે.
ADVERTISEMENT
ગૌરી બૅન્ગલોરમાં રહે છે અને ૬ વર્ષના દીકરાની માતા છે. ગૌરી હાલમાં આમિરના પ્રોડક્શન બૅનર હેઠળ કામ કરે છે. તેની લિન્ક્ડ ઇન પ્રોફાઇલ અનુસાર તેણે યુનિવર્સિટી ઑફ આર્ટ્સ-લંડનમાંથી ફૅશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં ફાઉન્ડેશન ડિગ્રી મેળવી છે તેમ જ હાલમાં મુંબઈમાં બીબ્લન્ટ સૅલોં ચલાવે છે. ગૌરીની માતા તામિલિયન અને પિતા આઇરિશ છે અને તેના દાદા સ્વાતંયસેનાની હતા.
આમિરે જ્યારે ગૌરી સાથેની રિલેશનશિપની જાહેરાત કરી ત્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તું ત્રીજી વખત લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે? એના જવાબમાં આમિરે કહ્યું હતું કે ‘હાલ એવું કોઈ પ્લાનિંગ નથી, પણ ‘નેવર સે નેવર...’ હાલમાં તો અમે બન્ને એકમેક માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. હું આ પહેલાં બે વખત લગ્ન કરી ચૂક્યો છું, પણ હવે ૬૦ વર્ષની ઉંમરે લગ્ન કરવાનું કદાચ મને શોભશે નહીં. જોકે આ મામલે વિચારવું પડશે.’
ગૌરી સાથેના પોતાના સંબંધનો ખુલાસો કરતાં આમિરે કહ્યું હતું કે ‘ગૌરી અત્યાર સુધી ખૂબ પ્રાઇવેટ જીવન જીવી છે અને હું ગૌરીની પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માગું છું. હું કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો જેની સાથે હું શાંતિ અનુભવી શકું અને એ છે ગૌરી. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તારે મીડિયા મૅડનેસનો સામનો કરવો પડશે. જોકે તેને એની આદત નથી. મને આશા છે કે મીડિયા અમારી લાગણીને સમજશે. મારા વ્યક્તિગત સંતોષ માટે મેં ગૌરી માટે સિક્યૉરિટી વ્યવસ્થા કરી છે.’
ગૌરી સ્પ્રૅટ
૧૪ વર્ષનો તફાવત
આમિર ખાનનો જન્મ ૧૯૬૫ની ૧૪ માર્ચે થયો હતો. આ વર્ષે તેણે ૬૦મી વર્ષગાંઠ ઊજવી છે. આની સરખામણીએ ગૌરીનો જન્મ ૧૯૭૮ની ૨૧ ઑગસ્ટે થયો હતો અને તે ૪૬ વર્ષની છે. આમ તેમની વચ્ચે ૧૪ વર્ષની ઉંમરનો તફાવત છે. જોકે આ તફાવત હવે ફૅન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હું પોતાને ૬૦ વર્ષનો માનતો જ નથી : આમિર
એક પત્રકારે જ્યારે તેને સવાલ કર્યો કે શું ૬૦ વર્ષના થયા પછી જીવનમાં કોઈ પરિવર્તન લાગે છે? આમિરે એનો જવાબ આપ્યો, ‘ખરેખર નહીં. આજે પણ જ્યારે હું ૩૦-૪૦ વર્ષના કોઈ માણસને જોઈશ તો હું તેને અંકલ જ કહીશ. મને લાગે છે કે આપણે બધા આવા જ છીએ. આપણે બધા મનથી ૧૮ કે ૨૧ વર્ષના જ લાગીએ છીએ.’
હું હોળીના દિવસે જ જન્મ્યો હતો, નર્સે મારા માથા પર ટીકો લગાવ્યો હતો : આમિર ખાન
ગઈ કાલે ૧૪ માર્ચે આમિર ખાનની ૬૦મી વર્ષગાંઠ હતી. આમિરની આ વર્ષગાંઠ તેને માટે સ્પેશ્યલ છે. તેણે આ નવા વર્ષમાં પ્રવેશ તો કર્યો છે, પણ સાથોસાથ બૅન્ગલોરની ગૌરી સાથેની પોતાની લિવ-ઇન રિલેશનશિપની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને તેના આ બર્થ-ડેની ઉજવણી બે દિવસ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. ૧૨ માર્ચની રાતે આમિરના પ્રી-બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે બૉલીવુડના તેના ખાસ મિત્રો શાહરુખ ખાન અને સલમાન ખાન તેના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં આમિરે તેની મુલાકાત પોતાની પાર્ટનર ગૌરી સાથે કરાવી હતી. એ પછી આમિરે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને ૧૩ માર્ચે મીડિયા સાથે કેક કાપીને સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને પ્રેસ-કૉન્ફરન્સમાં પર્સનલ અને પ્રોફેશનલ બાબતો વિશે વાતચીત પણ કરી હતી.
આમિરે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે મીડિયા મારા જન્મદિવસને આ રીતે ઊજવે છે. જન્મદિવસથી મને કોઈ ફરક નથી પડતો. હવે હું ૬૦ વર્ષનો થઈ ગયો છું. ૬૦ વર્ષ પહેલાં હું જ્યારે જન્મ્યો હતો એ હોળીનો પહેલો દિવસ હતો. અમ્મીએ મને કહ્યું હતું કે નર્સ આવી હતી અને તારા માથા પર ટીકો લગાવ્યો હતો. આજે પણ હોળીનો પહેલો દિવસ છે.’
આ ફંક્શનમાં આમિર બ્લૅક આઉટફિટમાં હતો. એ જોઈને એક પત્રકારે પૂછ્યું કે શું તમે જન્મદિવસે પણ કાળો રંગ પહેરો છો? સવાલ સાંભળીને આમિરે હસીને જવાબ આપ્યો હતો, ‘હમણાં હું સામાન્ય રીતે કાળાં કપડાં જ પહેરું છું. આજકાલ હું ફિટ નથી અને કાળા રંગમાં માણસ પાતળો લાગે છે.’
થર્ડ ટાઇમ લકી
આમિર બે વખત લગ્ન કરીને ડિવૉર્સ લઈ ચૂક્યો છે. તેણે પહેલાં લગ્ન ૧૯૮૬માં રીના દત્તા સાથે કર્યાં હતાં અને એ લગ્નથી તેને બે સંતાનો જુનૈદ અને આઇરા છે. એક ઇન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું હતું કે ‘મારા જીવનમાં મળેલા મહત્ત્વપૂર્ણ લોકોમાં રીના એક છે. અમે ભાગીને લગ્ન કર્યાં હતાં અને પછી ૧૬ વર્ષ સાથે રહ્યાં હતાં.’ જોકે ૨૦૦૨માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. ૨૦૦૫માં આમિરે ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૧માં તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર છે. એક ઇન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું હતું કે હું મારી બન્ને ભૂતપૂર્વ પત્નીઓ સાથે સારા સંબંધ ધરાવું છું. તેણે કહ્યું હતું કે ‘મારા જીવનમાં સૌથી મહત્ત્વના સંબંધો આ અદ્ભુત લોકો સાથે હતા, રીના અને કિરણ બન્ને અદ્ભુત છે. આ બન્ને મહિલાઓ સાથે મેં જીવન વિતાવ્યું છે અને તેમણે મને ઘણું આપ્યું છે.’

