વિદ્યુત અને કુણાલ બાદ આ અભિનેત્રી ચર્ચામાં જોડાઇ, OTTના વર્તન પર પ્રશ્ન
આહના કુમરા
ભારતમાં સૌથી મોટા ઓટીટી પ્લેટફૉર્મ્સમાંના એક ડીઝ્ની પ્લસ હૉટસ્ટારની પ્રેસ કૉન્ફ્રેન્સમાં અભિનેતા વિદ્યુત જામવાલ અને કુણાલ ખેમીને આમંત્રિત ન કરવાના મુદ્દે વાતાવરણ ગરમાતું જોવા મળે છે. હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી આહના કુમરાએ પણ ઓટીટી પ્લેટફૉર્મના આ ભેદભાવભર્યા વર્તન પર આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તેણે કેટલાય ડિજિટલ પ્લેટફૉર્મ્સ સાથે કામ કર્યું છે પણ આવો વ્યવહાર પહેલીવાર જોવા મળ્યો છે.
વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'ખુગા હાફિઝ'માં આહના કુમરા પણ દેખાવાની છે. ઓટીટી પ્લેટફૉર્મના આ વર્તનને જોઇ દંગ રહી ગયેલી આહનાએ કહ્યું કે, "મને તો આ પ્રેસ કૉન્ફ્રેન્સ વિશે ત્યારે ખબર પડી જ્યારે મેં વિદ્યુતનું ટ્વીટ જોયું. આ વિશે મને કેમ ન કહેવામાં આવ્યું, આવો સવાલ કરીને હું કોઇને હેરાન નથી કર્યા. કારણકે મને ખબર હતી કે આનો જવાબ મને નથઈ મળવાનો. મને તો આ પ્લેટફૉર્મના ભેદભાવપૂર્ણ વ્યવહાર બાબતે આશ્ચર્ય થાય છે. અત્યાર સુધી મેં જેટલા પણ ઓટીટી પ્લેટફૉર્મ્સ સાથે કામ કર્યું છે, તે ઘણાં પ્રૉફેશનલ છે અને સમાનતામાં વિશ્વાસ રાકે છે. પહેલી વાર એક ઓટીટી પ્લેટફૉર્મ તરફથી આવું વર્તન જોઇને હું દંગ રહી ગઈ."
ADVERTISEMENT
આહનાએ તાજેતરમાં રિલીઝ થયેલી 'મર્ઝી' અને 'બેતાલ' જેવી વેબ સીરિઝમાં કામ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી અંદર-બહારની ચર્ચાઓથી હતપ્રભ થઇને તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં આવેલા આ નાના પરિવર્તનથી તે ખૂબ જ નિરાશ છે. તેણે કહ્યું કે, "વિદ્યુત આજે જે કંઇપણ છે પોતાના બળે છે. આપણે તે લોકોનો સાથ આપવો જોઇએ જેમણે આજના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાતે પોતાની જગ્યા બનાવી છે. પોતાના બળે ઊભા થયેલા આ કલાકારોને સામે આવવાની તક મળવી જોઇએ. તે આને કાબેલ છે."
આ આખી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે પોતાની આગામી સાત ફિલ્મો લક્ષ્મી બૉમ્બ, ભુજ-ધ-પ્રાઇડ ઑફ ઇન્ડિયા, ધ બિગ બુલ, સડક-2, ખુદા હાફિઝ, દિલ બેચારા અને લૂટકેસની જાહેરાત કરવા માટે એક પ્રેસ કૉન્ફ્રેન્સ બોલાવી હતી. આ કૉન્ફ્રેન્સમાં અક્ષય કુમાર, અજય દેવગન, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન અને વરુણ ધવનને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ 'ખુદા હાફિઝ'ના અભિનેતા વિદ્યુત જામવાલ અને 'લૂટકેસ' અભિનેતા કુણાલ ખેમૂને ઇગ્નોર કરવામાં આવ્યા.
વાત ત્યારે વધી ગઈ જ્યારે વિદ્યુત જામવાલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "સાત ફિલ્મોને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે પણ ફક્ત પાંચ ફિલ્મોના પ્રતિનિધિઓને જ બોલાવવામાં આવ્યા છે. બાકી બેને આમંત્રિત કરવાનું તો દૂર, સૂચના આપવાનું પણ જરૂરી ન લાગ્યું. ચક્ર ચાલું છે." ત્યાર બાદ કુણાલ ખેમૂએ પણ એક પોસ્ટ દ્વારા પોતાનો ઊભરો ઠાલવ્યો. તેણે લખ્યું, "સમ્માન અને પ્રેમ મંગાય નહીં, પણ કમાવાય છે. કોઇ ન આપે તો તેનાથી આપણે નાના નથી થઈ જતા. બસ મેદાન રમવા માટે સમાન આપો, છલાંગ તો અમે પણ ઊંચી મારી શકીએ છીએ."
ઇનસાઇડર્સ અને આઉટસાઇડર્સનો આખો વિવાદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ શરૂ થયો છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાજર કેટલાક લોકો સુશાંતને આઉટસાઇડર કહીને ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા નિર્માતાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે તો કેટલાક આ બધી વાતોને ખોટી કહી રહ્યા છે. આ જ કારણ છે કે વિદ્યુત અને કુણાલને લોકોનો સંપૂર્ણ સપોર્ટ મળી રહ્યો છે.

