રાકેશ રોશને કહ્યું, 'મેં ઋષિ કપૂરને દિલ્હી જવાની ના પાડી હતી,પણ તે ગયા'
રાકેશ રોશન (ફાઇલ ફોટો)
બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ બોલીવુડ જગત શૉકમાં છે. ઋષિ કપૂરના સાથી સિતારાઓ જૂની યાદો શૅર કરીને તેમને યાદ કરી રહ્યા છે. તો, કેટલાય સ્ટાર્સ લૉકડાઉનને કારણે તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા નહોતા, જે હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ અભિનેતાઓમાં ઋષિ કપૂરના ખાસ મિત્ર રાકેશ રોશન પણ અભિનેતાના નિધનથી ઘણાં દુઃખી છે અને જ્યારે તેમણે ઋષિ કપૂરના નિધનના સમાચાર મળ્યા તો તેઓ રડી પડ્યા, તે વખતે રણબીર કપૂરે તેમનું ધ્યાન રાખ્યું.
હવે રાકેશ રોશને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમણે ઋષિ કપૂરને સલાહ આપી હતી કે તેમને દિલ્હી લગ્નમાં ન જવું જોઇએ, તેમને ઇન્ફેક્શન થઈ શકે છે. જણાવીએ કે ફેબ્રુઆરીમાં ઋષિ કપૂર એક લગ્નોત્સવમાં દિલ્હી ગયા હતા અને અહીં તબિયત બગડવાથી તેમને હૉસ્પિટલ દાખલ કરાવવા પડ્યા હતા. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં રાકેશ રોશને કહ્યું કે "અમને બન્નેને કેન્સર હતું, જો કે જુદાં જુદાં પ્રકારનું હતું. મને ખબર હતી કે અમે બન્ને ઇન્ફેક્શન પ્રોન છીએ. તેથી જ્યારે ચિંટૂએ મને ફેબ્રુઆરીમાં એક લગ્નમાં દિલ્હીના જવાના પ્લાન વિશે જણાવ્યું ત્યારે મેં તેને એવું ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાંથી જ તેમને તકલીફ શરૂ થઈ. જ્યારે હું ચિંટૂને મળ્યો તો તેણે સ્વીકાર્યું કે તેણે મારી વાત માનવી જોઇતી હતી અને તેણે દિલ્હી જઈને ભૂલ કરી."
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાકેશ રોશને જણાવ્યું કે તે પોતાના મિત્ર વગર ખૂબ જ એકલા પડી ગયા છે. તેમણે એ પણ કહ્યું કે, "ઋષિ ત્રણ અઠવાડિયાથી હૉસ્પિટલમાં હતા અને મને ખબર હતી કે તેમના નિધનની આગલી સાંજથી તેમની તબિયત વધારે બગડી હતી, પણ હું શું કરી શકતો હતો? આપણે એવા નિરાશાજનક સમયમાં જીવી રહ્યા છીએ. હું હકીકતે નથી જાણતો કે શું કહેવું જોઇએ, પણ મારે તમને કહેવું છે કે હું આજે એકલતા અનુભવું છું. ઘણી બધી સ્મૃતિઓ છે અને તે બધી સામે આવી રહી છે."
આ પહેલા રાકેશ રોશને મિડ-ડેને જણાવ્યું હતું કે, "જ્યારે હું સવારે ઉઠ્યો તો મારા ફોન પર એમ મિત્રનો મેસેજ હતો, તે ઋષિ કપૂરની તબિયત વિશે પૂછી રહ્યો હતો, તે બરાબર છે કે નહીં. આ જાણવા માટે મેં રણધીર કપૂરને કૉલ કર્યો અને તેમનો નંબર જ્યારે વ્યસ્ત આવ્યો ત્યારે મારા મનમાં ગભરામણ થવા લાગી અને મને ખ્યાલ આવ્યો કે કંઇક ખોટું થયું છે. પછી મેં રણબીર કપૂરને કૉલ કર્યો. જ્યારે તેણે મને ઋષિ કપૂરના નિધન વિશે જણાવ્યું તો હું પોતાને સંભાળી શક્યો નહીં અને ફોન પર જ રડવા લાગ્યો. જો કે, મારે રણબીર કપૂરને સંભાળવો જોઇએ. તેણે મને સંભાળ્યો અને સમજાવ્યું. તે પોતાના પિતા માટે એક મજબૂત પિલર રહ્યો."

