૮૦ વર્ષનાં અરુણા ઈરાનીને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સતાવી રહી છે
અરુણા ઈરાની
પ્રખ્યાત અભિનેત્રી અરુણા ઈરાનીનો બૅન્ગકૉક ખાતે ઍક્સિડન્ટ થઈ ગયો હતો. અરુણાની વય ૮૦ વર્ષ જેટલી છે અને એટલે જ તેમનો પરિવાર આ અકસ્માતના સમાચાર સાંભળતાં જ ચિંતામાં મુકાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે અરુણા બૅન્ગકૉક ખાતે શૉપિંગ કરવા ગયાં હતાં પણ પોતાના આ પ્રવાસના બે દિવસ પછી જ તેઓ લપસીને પડી ગયાં હતાં અને આ દુર્ઘટનામાં તેમને ઈજા થઈ હતી. જોકે સદ્નસીબે તેમને તરત જ મેડિકલ મદદ મળી ગઈ.
આ અકસ્માત પછી તેઓ તરત મુંબઈ આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર એક વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં અરુણા ઈરાની વ્હીલચૅર પર બેઠેલાં અને માસ્ક પહેરેલી હાલતમાં છે.
આ અકસ્માત પછી એક ઇન્ટરવ્યુમાં અરુણાએ જણાવ્યું હતું કે ‘હું ફક્ત મોજમસ્તી માટે ગઈ હતી અને દુર્ઘટના સમયે પણ મજા કરી રહી હતી. બે અઠવાડિયાં પછી હું સ્વસ્થ થઈને મુંબઈ પાછી આવી છું. પરંતુ પાછા આવતાં જ મને વાઇરસનો ચેપ લાગ્યો. આ ચેપમાંથી હું ધીમે-ધીમે સાજી થઈ રહી છું. આ યાત્રા મને મોંઘી પડી. આટલી મજા કરું તો આવું તો થવાનું જ.’

