તેમની યાદમાં પંજાબના તેમના ગામમાં બની રહ્યો છે ૧૦૦ ફુટ ઊંચો મિનાર
ફાઇલ તસવીર
મોહમ્મદ રફીની આજે ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી છે એ નિમિત્તે તેમને યાદ કરતાં મુંબઈમાં મ્યુઝિકલ ઇવેન્ટ આયોજિત કરવામાં આવી રહી છે. આ કૉન્સર્ટ એક વર્ષ સુધી યોજાશે. દર મહિનાની ૨૪ તારીખે તેમનાં ગીતોની કૉન્સર્ટ રાખવામાં આવશે. એને માટે દેશભરમાંથી સિંગર્સને ઇન્વાઇટ કરવામાં આવશે જેઓ સ્ટેજ પર રફીનાં ગીતો ગાઈને તેમની યાદને તાજી કરશે. ષણ્મુખાનંદ હૉલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ઑફ મોહમ્મદ રફી વેલ્ફેર ફાઉન્ડેશન અને શ્રી ષણ્મુખાનંદ ફાઇન આર્ટ્સ ઍન્ડ સંગીત સભાએ આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. એ સિવાય આ બન્ને ફાઉન્ડેશન સાથે મળીને તેમની યાદમાં ૧૦૦ ફુટ ઊંચો ‘રફી મિનાર’ બનાવી રહ્યા છે. આ મિનાર અમ્રિતસરના તેમના ગામ કોટલા સુલતાન સિંહ ગામમાં મૂકવામાં આવશે. એ મિનાર સ્ટીલનો બનાવાશે. એના પર રફીસાહેબનાં ગીતોના લિરિક્સ ચીતરવામાં આવશે. સાથે જ મિનારના ટૉપ પર ભારતીય ધ્વજ લહેરાવવામાં આવશે. ૨૦૨૪માં આ મિનાર બનવાની શક્યતા છે. મોહમ્મદ રફીનું ૧૯૮૦ની ૩૧ જુલાઈએ નિધન થયું હતું.