બીજા વિશ્વયુદ્ધમાં કરોડો માણસોને મારી નાખ્યા અને છતાં આ ઓછું હોય એમ અણુબૉમ્બ કેટલો બધો વિનાશક છે એનો ઇશારો પણ યુદ્ધના અંતે થઈ ચૂક્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
૫૦, ૬૦ કે કદાચ થોડાંક વધુ વર્ષ પણ થયાં હોય; ચોક્કસ યાદ નથી આવતું, પણ ફિલ્મનું નામ હતું ‘જાગૃતિ’. પડદા પર અભિનેતા હતા અભિ ભટ્ટાચાર્ય અને ગીતના રચયિતા હતા કવિ પ્રદીપ. ગાયક હતા મોહમ્મદ રફી. ગીતની પંક્તિના શબ્દો આ પ્રમાણે હતા : ‘બારુદ કે એક ઢેર પે બૈઠી હૈ યે દુનિયા...’ આ દુનિયા દારૂગોળો ભરેલા એક ઢગલા પર બેઠી છે અને ક્યારે, કઈ ઘડીએ આ ભરેલા ઢગલામાં તિખારો પડે અને આખી દુનિયા એક ક્ષણમાં નાશ પામે.
એક તિખારાના ભય હેઠળ દુનિયા જીવી રહી છે એવો વિષય આ પંક્તિમાં કવિએ કર્યો છે. ૧૯૫૦ આસપાસની આ રચના છે એટલે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યાને ઝાઝો સમય થયો ન કહેવાય. બીજા વિશ્વયુદ્ધમાં કરોડો માણસોને મારી નાખ્યા અને છતાં આ ઓછું હોય એમ અણુબૉમ્બ કેટલો બધો વિનાશક છે એનો ઇશારો પણ યુદ્ધના અંતે થઈ ચૂક્યો હતો.
ADVERTISEMENT
આજે ૨૦૨૫માં અણુબૉમ્બના એ ઇશારાથી આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. આજે દુનિયાના મોટા ભાગના દેશો જાણે એકબીજાનો નાશ કરવો હોય એમ અણુશસ્ત્રોની વાતો કરે છે. દુનિયાનો સર્વનાશ કરવા આવા પાંચ-પચીસ બૉમ્બ તો બહુ થઈ જાય અને આમ છતાં ખૂબ આગળ વધી ગયેલી આપણી પ્રગતિશીલ દુનિયાના વૈજ્ઞાનિકો તથા નેતાઓ એવું કહેતા હોય છે કે ‘અમારી પાસે ૫૦ બૉમ્બ છે’ તો બીજો કહે છે, ‘અમારી પાસે ૧૦૦ બૉમ્બ છે.’ ૨૦૦ કે ૪૦૦ બૉમ્બ પોતાની પાસે હોય એની શેખી મારતા આ બુદ્ધિશાળીઓ પણ કંઈ ઓછા નથી. બૉમ્બ અપૂરતા હોય તો જંતુઓ મારફત રોગ ફેલાવીને દુશ્મન દેશના માણસોને મારી નાખવા એમાં પણ માણસને પોતાની બૌદ્ધિકતા લાગે છે.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછીનાં વર્ષોમાં કોઈક પત્રકારે એક ખ્યાતનામ બૌદ્ધિક પુરુષને એક પ્રશ્ન પૂછ્યો છે, (આ બૌદ્ધિક પુરુષનું નામ આ લખતી વખતે યાદ આવતું નથી, ઘણુંખરું આ નામ આઇન્સ્ટાઇન જ હોઈ શકે) ‘બીજું યુદ્ધ ભયાનક શસ્ત્રોથી લડાયું. હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો કેવાં શસ્ત્રો હશે એ કહી શકશો?’
આનો જવાબ પેલા મહાપુરુષે આ રીતે આપ્યો છે, ‘ત્રીજા વિશ્વયુદ્ધમાં કયાં શસ્ત્રો વપરાશે એની કોઈ અવધારણા હું કરી શકતો નથી; પણ જો ચોથું યુદ્ધ થશે તો એમાં જે શસ્ત્રો વપરાશે એ લાકડી, પથ્થરો, પરસ્પરનાં બચકાં વગેરે... વગેરે હશે.’
આ જવાબમાં ઇશારો સાફ છે. હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો માનવજાત પરસ્પરનો સર્વનાશ કરશે અને કોઈ બચશે નહીં. પરિણામે જ્યારે ચોથું વિશ્વયુદ્ધ થશે તો એની પાસે કોઈ જ વૈજ્ઞાનિક સાધનો નહીં હોય. હવે માણસ આદિમાણસ થઈ ગયો હશે અને આદિમાણસ જે રીતે જીવતો હતો એ જ રીતે તે પણ જીવશે.
મરવાની મનાઈ નથી
આજે દુનિયાના નકશામાં આપણે લગભગ ૨૦૦ દેશો કોતરી કાઢ્યા છે. આ દેશો પહેલાં ક્યારેય હતા જ નહીં. માણસે પોતે જ પોતાની જાતે સરહદો પેદા કરી અને પછી આ સરહદોને મોટી અને વધુ મોટી બનાવવા પરસ્પર દોટ દેવા માંડી. આજે યુદ્ધકાળ નથી, શાંતિકાળ છે એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ કહેવાતા એવા શાંતિકાળમાં પણ ઘણાબધા દેશો, સરહદો અને પ્રજાઓ ભયના ઓથાર હેઠળ જીવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે રાત-દિવસ પરસ્પરના મોતનું તાંડવ ખેલાય છે. ઇઝરાયલ અને ગાઝા પટ્ટી, ઇઝરાયલ અને ઈરાન, ભારત અને પાકિસ્તાન આ બધા વચ્ચે અવિરત ૨૪ કલાક વિનાશનાં વાદળો ઘેરાતાં જાય છે. થોડાક, મુઠ્ઠીભર પાગલ માણસો વિનાશનાં આ શસ્ત્રોને પોતાની મુઠ્ઠીમાં રાખીને બેઠા હોય છે અને ક્યારે એમાંનો એક પાગલ આવાં વિનાશક શસ્ત્રોનું બટન દબાવી દેશે એ કોઈ જાણતું નથી. ‘ભારેલો અગ્નિ’ નામની એક ગુજરાતી નવલકથા (લેખક : રમણલાલ દેસાઈ) જેમણે ન વાંચી હોય તેમણે વાંચી લેવી જોઈએ. શસ્ત્રોની ભયાનકતા આ નવલકથામાં મુખ્ય પાત્ર રુદ્રદત્ત દ્વારા જે રીતે ઇંગિત થઈ છે એ રીત કોઈ પણ બુદ્ધિશાળી માણસે સમજી લેવા જેવી છે.
આમ જુઓ, તેમ જુઓ
વૈદિક કથાનકોમાં એવું કહેવાયું છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી પ્રજાપિતા બ્રહ્માએ મનુ તથા શતારૂપા એ બે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું અને પોતે બનાવેલી આ સૃષ્ટિનું સંવર્ધન કરવા આ બે જણને આદેશ આપ્યો. આ બે જણે વૈશ્વિક સર્જનને આગળ લઈ જવાનું હતું. એ જ રીતે જૈન ધર્મગ્રંથોમાં સૃષ્ટિના મહાકાળને બે તબક્કામાં વહેંચી દેવામાં આવ્યો છે. આ તબક્કા એટલે અવસર્પિણી અને ઉત્સર્પિણી અવસ્થા. માણસજાતે મહાકાળના સર્જન પછી ધીમે-ધીમે પ્રગતિ કરી અને આ પ્રગતિ એટલે ઉત્સર્પિણી, પણ ઉત્સર્પિણીની ટોચ પર પહોંચ્યા પછી માણસ ફરી વાર પોતાની જાતને અવદશામાં ધકેલી દે છે અને આ અવદશા એટલે અવસર્પિણી અવદશા. આજે આપણી નજર સામે ઉત્સર્પિણી તો છે જ, પણ સાથે જ અવસર્પિણી પણ ટકોરાબંધ ઊભી છે એવું નથી લાગતું?
તમને કંઈ સંભળાય છે?
દર ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ કે પછી ૨૦૦૦ અથવા ૪૦૦૦ વર્ષે આપણી વચ્ચે ન્યાય, ધર્મ, નીતિ આવા બધા શબ્દોનું રટણ કરતો એક અવાજ પેદા થાય છે. આ અવાજને એના પડઘા તરીકે આપણે પ્રતિધ્વનિત કરીએ છીએ, પણ પછી થોડી જ વારમાં આ મૂળ અવાજના રટણથી આપણે થાકી જઈએ છીએ અને આ અવાજનું ગળું રૂંધી દઈએ છીએ. આપણને અવાજની અસલિયત નથી જોઈતી, નર્યા પડઘા જ આપણને પોતીકા લાગે છે. ઈશુ હોય કે ગાંધી - આપણે આ અવાજને રૂંધી દઈએ છીએ. આજે એ અવાજ નેલ્સન મન્ડેલા કે સૂ કી સ્વરૂપે દેખા દે છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. ૫૦ કે ૬૦ વર્ષ પહેલાં કવિ પ્રદીપજીએ આ દુનિયાને દારૂગોળાના ઢગ તરીકે જોઈ હતી. આજે પ્રદીપજીએ ગીતની આ પંક્તિ ફરી વાર લખવી હોય તો એના માટે કયા શબ્દો મૂકશે?


