સવારે ઊંઘ પૂરી થાય, આંખ ખોલીએ ત્યારે કેટલીક વાર આપણે આપણા ઈષ્ટ દેવનું સ્મરણ કરીએ છીએ અને આવા સ્મરણને આપણે ધર્મ કહીએ છીએ. મોટે ભાગે આવા સ્મરણ પાછળનો હેતુ ક્યારેક કશુંક પામવાનો હોય છે અથવા ક્યારેક એક પ્રકારનો ભય પણ હોય છે.
તસવીર સૌજન્ય: AI
‘ધરમ’ શબ્દ કાને પડતાંવેંત આપણા માત્ર કાન જ નહીં, બધી જ કર્ણેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોમાં સળવળાટ થવા માંડે છે. આ સળવળાટની આપણને જાણ સુધ્ધાં થતી નથી પણ આ ધર્મ સાથે આપણને તરત જ આપણા રોજેરોજના ઘરેલુ ક્રિયાકાંડ યાદ આવે છે. આપણાં એકાદશી, આઠમ, પૂનમ, અમાસ આ બધાં વ્રત-વ્રતોલા યાદ આવે છે. આપણે પોતે કેટલા ધાર્મિક છીએ, આ ધર્મ સાથે સંકળાયેલા છે એની જાણ થાય છે. આપણે કરેલાં વ્રત-વ્રતોલા અને યાત્રા-પ્રવાસો આપણે ભૂલતા નથી. આપણી સાથે હળતામળતા બીજા સહુને પણ આપણા ધર્મપાલનની જાણ થાય એ આપણને ગમે છે.
વાસ્તવમાં ધર્મપાલન એટલે સાંપ્રદાયિક નીતિનિયમો કે વિધિવિધાન નહીં, ધર્મ શબ્દનો સો ટકા વ્યવહારિક અર્થ તમે જ્યારે ઘરનો ઉંબરો વળોટો છો એટલે કે એક પગ અંદર છે અને એક પગ બહાર છે ત્યારથી એનો શુભારંભ થઈ જાય છે. જ્યારે પગ ઉંબરો વળોટે છે ત્યારે પેલો ઉંબરો તમારા કાનમાં કહી જાય છે, ‘જોજે હોં, ઘરની કોઈ વાત બહાર જાય નહીં.’ સાંજે જ્યારે પગ ઊલટી દિશામાં ઉંબરો ઓળંગે છે અને ઘરમાં દાખલ થાય છે ત્યારે ફરી એક વાર ઉંબરો કહે છે, ‘જોજે હોં, જે કંઈ બહાર બન્યું છે એ બધું અંદર કહેવાની જરૂર નથી.’ એનો અર્થ એવો નથી કે પરિવાર અને બહારની દુનિયા આ બેને અલગ રાખવાં. એનો સંદેશ માત્ર એટલો જ છે કે ઘરને ઘર જેવું જ રહેવા દેજો, એને બહારની બજાર નહીં કરતા.
ADVERTISEMENT
સવારે ઊંઘ પૂરી થાય, આંખ ખોલીએ ત્યારે કેટલીક વાર આપણે આપણા ઈષ્ટ દેવનું સ્મરણ કરીએ છીએ અને આવા સ્મરણને આપણે ધર્મ કહીએ છીએ. મોટે ભાગે આવા સ્મરણ પાછળનો હેતુ ક્યારેક કશુંક પામવાનો હોય છે અથવા ક્યારેક એક પ્રકારનો ભય પણ હોય છે. એક એવા સજ્જનને હું ઓળખું છું જેઓ અમુક ચોક્કસ મંદિરે કે ધર્મસ્થાનકે અચૂક જાય છે અને જો ન જવાયું હોય તો ભારે અપરાધભાવની લાગણી પેદા થાય છે. દર શનિવારે અમુક ચોક્કસ હનુમાનજીના મંદિરે જવું અથવા દર અમુક તિથિએ પોતે માની લીધેલા ધર્મસ્થાનકે જ જવું એવી ચોક્કસ માન્યતા ધરાવતા હોય છે. અહીં સુધી તો ઠીક છે પણ કેટલીક વાર દેવમંદિર આસ્થા કે શ્રદ્ધાનું સ્થાન નથી રહેતું પણ એ ક્રિયાકાંડ બની જાય છે.
ધરમ સાંભળીએ
વાસ્તવમાં આપણે જેને ધરમ કહીએ છીએ એનો આરંભ દિવસના પહેલા શ્વાસથી જ શરૂ થઈ જાય છે. આખો દિવસ હરવું-ફરવું, ખાવું-પીવું ઇત્યાદિ દૈનિક કર્મોમાં જે ધરમનું અનુશીલન કરવું જોઈએ એ આપણે કરીએ છીએ ખરા? સરકારી નીતિનિયમોનું પાલન જરૂર પૂરતું કરીએ છીએ પણ જ્યાં આવાં ધારાધોરણો કાયદેસર નથી ત્યાં આપણે આવા ધરમનું અનુશીલન કેવું અને કેટલું કરીએ છીએ? બને છે એવું કે આ કહેવાતા ધરમની વ્યાખ્યા પણ બદલાતી જાય છે. થોડાંક વર્ષો પહેલાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્યારેક શિક્ષક એવું પૂછતા કે મોટા થઈને તારે શું થવું છે? ત્યારે પેલો બાળક જે જવાબ આપતો એમાં પૈસાટકાની ગણતરી લગભગ નહીંવત્ હતી. તેની નજર સામે સમાજમાં એ સમયે સેવાવૃત્તિથી દોરવાયેલી વ્યક્તિઓ હતી. તેનાથી કહેવાઈ જતું કે હું ડૉક્ટર બનીશ. પણ આ ડૉક્ટર બનવા પાછળ તેની ગણતરી સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાની, પૈસા મેળવવાની કે એવી કોઈ નહોતી. આજે કોઈ બાળકને જો આ જ પ્રશ્ન પૂછવામાં આવે તો રમતગમતના કોઈક હીરો કે પછી ફિલ્મજગતના કોઈક અભિનેતા કે અભિનેત્રીનું નામ સહેજેય સંકોચ વિના આપી દે છે. હવે આ ધરમનો અર્થ કોઈ શિસ્તપાલન એવો થતો નથી. હમણાં-હમણાં આપણે ઉપરાઉપરી જાહેર સમારંભમાં કચડાઈને મરી જતા સંખ્યાબંધ માણસોના અહેવાલ વાંચીએ છીએ. આ બધા માણસો તેમના કોઈ ને કોઈ સંત મહાત્માને મળવા, તેમનાં દર્શન કરવા કે પછી તેમના ચરણસ્પર્શ કરવા મોટી સંખ્યામાં ધસી જતા હોય છે. શ્રદ્ધા કે આસ્થા બૂરી વિભાવના નથી, આપણે એનો સ્વીકાર કરીએ પણ આવી શ્રદ્ધા કે આસ્થાને ધરમના નામે હાલહવાલ કરી નાખવું એમાં બીજું બધું હોય પણ ધરમ નથી. તામિલનાડુમાં તાજેતરમાં જ એક ફિલ્મ હીરોને જોવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે ધસી ગયા કે આ ધસારામાં ૪૧ માણસો કચડાઈ મર્યા. થોડા મહિનાઓ પહેલાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મહાત્માનો ચરણસ્પર્શ કરવા માટે ધસી ગયેલા હજારો માણસો પૈકી ૧૫૦ જેટલા શ્રદ્ધાળુઓ કચડાઈ મૂઆ હતા. આ દૃશ્યની કલ્પના કરીએ ત્યારે ક્યાંય ધરમ દેખાતો નથી. આપણે ધરમને નહીં પણ અધરમને જ જીવી રહ્યા છીએ.
આવું કેમ છે?
સાધુસંતોની સભામાં કે અન્યત્ર પૂજાપાઠ વિધિમાં હજારો માણસો કેટલીય તકલીફો વેઠીને અવરજવર કરે છે. દરેક માણસ પોતે પોતાની આ અવરજવરને ધરમ કહે છે. થોડીક જ વાતચીતમાં તે પોતાના આ ધરમને બીજા સમક્ષ રજૂ કરતાં અચકાતો નથી ‘આપણે તો ભાઈ સાચા માણસ, આપણાથી ખોટું સહન થાય નહીં.’ આવું કે આવા અર્થવાળું વાક્ય લગભગ દરેક માણસ પોતાના વિશે કહે છે અથવા કહેવડાવે છે. ધરમ પૂજાપાઠ નથી પણ પૂજાપાઠ ધરમ પાસે પહોંચવાનો એક માર્ગ છે. એનો સ્વીકાર કરવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ પણ આ પૂજાપાઠ હું કરું છું એની જાણ તમને થાય એ આત્મવંચના છે. આપણને જેને ધરમ કહીએ છીએ એનું ખરેખર પાલન કરવું છે કે પછી ધરમના નામે એક માયાની રચના કરવી છે. આજે રાત્રે પથારીમાં પડો એ સમયે થોડીક મિનિટો આંખ બંધ કરીને જાતને પૂછી જોજો કે દિવસ દરમિયાન કેટલા ધરમનું અનુશીલન કરી શકાયું છે?


